(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે કહ્યું છે કે દિલ્હીના પરિણામો અપેક્ષા મુજબ હતા. હવે ભાજપની હારનો સિલસિલો બંધ નહીં થાય. દિલ્હીના મતદારોએ વિકાસના મુદ્દે મતદાન કર્યું અને કોમી એજન્ડા ફગાવી દીધો.
પુનામાં પત્રકારો સાથે વાતચીત કરતાં શરદ પવારે કહ્યું કે તેઓ દિલ્હીના પરિણામોથી આશ્ચર્યચકિત નથી. કેટલાક દિવસો પૂર્વે કરોલબાગ ખાતે મરાઠી કાર્યક્રમમાં ગયો હતો ત્યારે લોકોએ મને કહ્યું હતું કે તેઓ કેજરીવાલને મત આપશે. લોકસભાની ચૂંટણી સમયે ભાજપ તરફી મતદાન કરનારા મતદારોએે કહ્યું કે અમારી પસંદગી યોગ્ય નહતી. કેજરીવાલે મહિલાઓની સમસ્યાઓ દૂર કરી છે.
શરદ પવારે કહ્યું કે દિલ્હી ખાસ પ્રકાશનું શહેર છે. દેશભરના લોકો દિલ્હીમાં આવી વસે છે. જેમણે કેજરીવાલને મત આપ્યા. જે બતાવે છે કે ભાજપ વિરૂદ્ધ બીજા રાજ્યોમાં પણ લાગણી છે.
પવારે કહ્યું કે ભાજપમાં નેતાગીરી પ્રત્યે ભારે અસંતોષ છે. ભાજપના સાંસદોમાં ભય છે. તેઓ બોલતા ગભરાય છે. તેથી તેમની લાગણીઓ દુભાય છે. આપણે જોયુ કે ભાજપે મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સત્તા ગુમાવી. હવે હારનો સિલસિલો રોકાશે નહીં. હવે વિપક્ષોની જવાબદારી છે કે તે સ્થિર સરકાર આપે. ભાજપે કોમી પ્રચાર કર્યો જેને લોકોએ ફગાવી દીધો છે.
પવારે વિજય બદલ કેજરીવાલને અભિનંદન પાઠવ્યા હતા.