(એજન્સી) તા.૧૫
ભાજપ સરકાર દ્વારા ચલાવાઈ રહેલું શહેરોનું નામ બદલવાનું અભિયાન હવે તમામ લોકોની નજરે છવાઈ ગયું છે. મુસ્લિમ શહેરોનું નામ બદલવામાં આવી રહ્યું છે અને આ મામલે બુદ્ધિજિવિઓએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે. માનવાધિકાર કાર્યકર્તાઓ, બુદ્ધિજિવિઓએ આ અભિયાનને સાંપ્રદાયિક ધ્રૂવીકરણ કરવાનું પગલું ગણાવ્યું છે અને તેમણે કહ્યું કે આ ભારતના સાંસ્કૃતિક ઈતિહાસ પર મોટો હુમલો છે. એક જાણીતા મીડિયા સાથેની વાતચીમાં તેમણે કહ્યું કે આ અભિયાન ભાજપની બેઈમાનીને ઉઘાડી પાડે છે. તે વિકાસ કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યો છે અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં તેણે જે વાયદાઓ કર્યા હતા તે પૂરાં કરવામાં નિષ્ફળ રહ્યું છે. એક જાણીતા સામાજિક કાર્યકર અને પૂર્વ સરકારી કર્મચારી અને મજદૂર કિસાન શક્તિ સંગઠનના સંસ્થાપક અરુણા રોયે કહ્યું હતું કે સરકારનું આ અભિયાન શરમજનક છે. તે ભારતની વિવિધતા પર પ્રહાર છે અને તે આપણા ભારતના ઈતિહાસને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ઐતિહાસિક સંબંધો સાથે છેડછાડ સમાન છે. મને લાગે છે કે હવે દેશ નાનો થતો જઇ રહ્યો છે અને તે એક દિવસ હારશે. ભાજપ હાલમાં જે પણ કરી રહ્યું છે તેનાથી કોઈને ફાયદો નહીં પરંતુ બે સમુદાયના લોકો વચ્ચેનું અંતર વધી જશે. તેમણે કહ્યું કે તેનાથી લઘુમતી સમુદાયના લોકો એકલાં પડશે અને તેનાથી સંઘર્ષની જ શરૂઆત થશે. આપણે નાની લડાઈ હારી પણ જઈશું પણ યુદ્ધ તો જીતીશું. જોકે બીજી બાજુ એક આરટીઆઈ કાર્યકર્તા અને એમકેએસએસના સંસ્થાપક નિખિલ દેયે કહ્યું કે ભાજપનું આ અભિયાન સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહ્યું છે. ભાજપનું આ રાજકીય પગલું દર્શાવે છે કે તે વાયદાઓ પૂરાં કરવામાં નિષ્ફળ રહ્યું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારના ક્ષેત્રમાં તે કંઈ કરી શક્યો નથી. દિલ્હીના પ્રોફેસર મનોજ કે. ઝાએ કહ્યું કે આ મુદ્દાને ઐતિહાસિક રીતે જોવામાં આવે તો સરકારે કંઈ જ કર્યુ નથી ફક્ત નામ જ બદલ્યું છે. યુપીના સીએમ યોગી પર કટાક્ષ કરતાં કહ્યું કે સર, મહેરબાની કરીને ગેસ સિલિન્ડરનું નામ આદિત્યનાથ સિલિન્ડર કરી દો કે જેથી કરીને બાળકોના મોત ન નીપજે.