(એજન્સી) તા.૨૦
પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં ભાજપના નવા વડા મથક અંગે બડાશ હાંકવા બદલ ભાજપની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે આ રીતે જાહેરમાં બડાશ મારવા બદલ ભાજપે શરમ અનુભવવી જોઇએ. ભાજપ એવી બડાશ મારી રહ્યો છે કે તેમણે વિશ્વના સૌથી મોટા પક્ષના કાર્યલયનું ઉદ્ઘાટન કર્યુ છે. આ બદલ તેમણે શરમ અનુભવવી જોઇએ. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના વિચારમાં વિનમ્રતા હોવી જોઇએ. તેમણે એ વાત પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ પ્રકારનું વિશાળ અને વૈભવી કાર્યાલય બનાવવા માટે પૈસા ક્યાંથી આવ્યા.
તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખે પ.બંગાળના બરહમપુર ખાતે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે ભાજપ દુનિયાના સૌથી મોટા પક્ષ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની બડાશ હાંકી રહ્યા છે. તેમણે આ અંગે શરમ અનુભવવી જોઇએ અને એ પણ જણાવવું જોઇએ કે તે આટલા મોટા કાર્યાલયના બાંધકામ માટે પૈસા ક્યાંથી આવ્યા છે ? એક રાજકીય પક્ષને પોતાના વિચારોમાં વિનમ્રતા હોવી જોઇએ અને ઘમંડી તરીકે વર્તાવ કરવો જોઇએ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે રવિવારે દિલ્હીમાં દીનદયાળ માર્ગ પર પક્ષના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા પછી જણાવ્યું હતું કે આ કાર્યાલય ૧.૭૦ લાખ ચો.ફૂટ વિસ્તારમાં બનેલું પક્ષનું દુનિયાના અન્ય કોઇ પણ રાજકીય પક્ષ કરતા વધુ મોટંુ કાર્યાલય છે.
ભાજપને પોતાના નવા કાર્યાલય અંગે બડાશ હાંકતાં શરમ આવવી જોઇએ : મમતા બેનરજી

Recent Comments