(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૪
રાજ્યસભાની ગુજરાતની ચાર સાંસદોની મુદ્દત પૂર્ણ થઈ રહી હોઈ તે માટે એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે હાલમાં આ ચારેય સાંસદો ભાજપના હોઈ તેમાંથી કેટલા રિપીટ થાય છે અને કોણ કપાય છે તેમજ આ વખતે ગજુરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટવા સાથે વિપક્ષ કોંગ્રેસનું સંખ્યાબળ વધ્યું હોઈ ચારેય બેઠકો ભાજપ જાળવી રાખી શકશે નહીં. આવી સ્થિતિમાં કોંગ્રેસ ચારમાંથી એક કે તેનાથી વધુ બેઠક મેળવે છે તે સહિતની બાબતો રાજકીય આલમમાં ચર્ચાની ચગડોળે ચડેલ છે. રાજ્યસભાના ગુજરાતના ચાર સાંસદો પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અરૂણ જેટલી અને શંકર વેગડ પૈકી ત્રણ ગુજરાતના અને એક ગુજરાત બહારના છે. જેમાં ત્રણ સભ્યો તો કેન્દ્ર સરકારમાં મંત્રી પદે છે ત્યારે આ ચારમાંથી કોનું પત્તુ કપાય છે અને કોણ રિપીટ રહે છે તે અંગે અટકળોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. જેમાં સૌથી આગળ પુરુષોત્તમ રૂપાલાને રિપીટ કરવાનું તો એકદમ ફાઈનલ જ મનાય છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની ગુડબુકમાં હોવા સાથે તેઓ પાટીદાર સમાજના અગ્રણી નેતા હોઈ તેમને યથાવત રાખવામાં આવશે. અરૂણ જેટલીને પણ રિપીટ કરવામાં આવનાર છે. હવે તેમને ગુજરાતમાંથી અથવા અન્ય રાજ્યમાંથી રિપીટ કરાવાય તે અંગે અટકળો ચાલી રહી છે. જ્યારે મંત્રી મનસુખ માંડવિયા અને શંકર વેગડના રિપીટ થવા સામે પ્રશ્નો ઊભા થયા છે. બંનેનું પત્તુ કપાય તે લગભગ નક્કી છે. સૌરાષ્ટ્રમાં ભાજપને થયેલ નુકસાનના કારણે માંડવિયાની વિદાય નિશ્ચિત મનાય છે. તો શંકર વેગડને જો પડતાં મૂકાય તો હાલમાં નારાજ કોળી સમાજની નારાજગી વધુ વકરે તે નિશ્ચિત હોઈ કાં તો તેમને પણ પરાણે રિપીટ કરવા પડે અથવા તેમની જગ્યાએ કોળી સમાજમાંથી કોઈ અન્યને મેદાનમાં ઉતારાય તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. સામે પક્ષે કોંગ્રેસમાં તો નફો તેટલો વકરો જેવી સ્થિતિ છે. આ પૈકી એક પણ સાંસદ ન ધરાવનાર કોંગ્રેસને વિધાનસભામાં ધારાસભ્યોની બેઠકો વધવાને કારણે લાભ થવાની સ્થિતિ ઊભી થઈ છે. ચારમાંથી એક સાંસદ તો નક્કી જ છે તે ઉપરાંત બીજી બેઠક માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવા ખાસ આયોજન હાથ ધરાયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ખુદ મેદાનમાં ઉતરે તથા તેમની સાથે દિપક બાબરિયાને પણ મેદાનમાં ઉતારવાની વાતો બહાર આવી છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ રાજ્યસભાની બેઠકો મેળવવા કેવી રણનીતિ અપનાવે છે ? અને તેમાં તે કેટલી સફળ રહે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.