(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવો વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારને દેશની જનતાને લૂંટવામાં રસ છે. છેલ્લા ૧૭ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલા સતત ભાવ વધારાએ લોકો માટે વધુ મુશ્કેલી સર્જી છે. કોરોનાના કારણે પહેલાથી જ આર્થિક ભીંસનો સામનો કરી રહેલી પ્રજા પર ઈંધણના ભાવોએ બોજો વધાર્યો છે. પ્રિયંકાએ જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારને લોકોને રાહત આપવામાં કોઈ રસ નથી. ઈંધણની અશક્ય કિંમતો દ્વારા સરકાર લોકોને લૂંટી રહી છે. લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. કોરોના બાદ આ ભાવ વધારાએ પ્રજાની કમર તોડી નાંખી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્‌્રીય બજારમાં ક્રૂડની કિંમત ઘટી છે છતાં સરકાર કોરોનાના આ સમયમાં લોકોને રાહત આપવાના બદલે તેમને લૂંટવાનું કામ કરી રહી છે.