(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરત લોકસભા બેઠક માટે ભાજપા દ્વારા દર્શના જરદોષ અને કોંગ્રેસ દ્વારા અશોક સાંસપરા (અધેવાડ)ને ઉમેદવાર જાહેર કરતા બંને આવતીકાલે કલેક્ટર ઓફિસે ઉમેદવારી નોંધાવશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે ૪ એપ્રિલે ઉમેદવારી નોંધાવાનો છેલ્લો દિવસ છે.
સુરત લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ગઈકાલે મોડેથી સાંસદ દર્શનાબેન જરદોષને ત્રીજા ટર્મ માટે રિપીટ કર્યા હતા. ભાજપ દ્વારા મૂળ સુરતી અને મહિલા ઉમેદવારને ટિકિટ આપતા કોગ્રેસ દ્વારા સુરત બેઠક માટે સૌરાષ્ટ્રવાસી અશોક સાંસપરા (અધેવાડ)ને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાય છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૫-૪-૨૦૧૯ના રોજ થશે અને તા.૮-૪-૨૦૧૯ના રોજ બપોર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને ત્યારબાદ અંતિમ યાદી જાહેર કરવામાં આવશે. આવતીકાલે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ ચૂંટણીનો માહોલ જામશે. ૨૩મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને ૨૩ મે ૨૦૧૯ના રોજ મતગણતરી થનાર હોવાનું જાણવા મળે છે.