(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૮
આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષ એવા કોંગ્રેસની વિચારસરણી ધરાવતા કેટલાક લોકોએ સામાન્ય સભાની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં કોંગ્રેસના સભ્યોએ સભાની કાર્યવાહી ચાલુ રાખવા માટે હઠાગ્રહ કરતા મામલો બિચકયો હતો. દરમિયાન કોંગ્રેસના કેટલાક લોકોએ સરકારી કર્મચારીઓને બાનમાં લઈ લીધા હતા. જેના લીધે તા.પં.ના સભાખંડમાં ઘમાસાણ મચી જવા પામ્યું હતું. દરમિયાન અગાઉ પદની લાલચથી કોંગ્રેસમાં આવેલા એક મહિલા અને એક પુરૂષ સભ્યને વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના કેટલાક પદાધિકારીઓએ પદની લાલચ આપી હતી તથા જો તેઓ પાછા કોંગ્રેસમાં નહીં જોડાય તો તેમની સામે પક્ષ દ્વારા શિસ્તભંગના પગલાં લેવાશે તેવી ગર્ભિત ચીમકી આપતા આ મહિલા અને પુરૂષ સભ્યએ પોતાની રાજકીય કારકિર્દી જોખમાય નહીં તેમ સમજીને સ્વગૃહે કોંગ્રેસમાં જોડાઈ ગયા હોય તેવી છાપ ઊભી થઈ હતી. તેમ છતાં કાયદાકીય રીતે એવું માનવામાં આવ્યું છે કે, સત્તાધારી ભાજપ પાસે ૧૪ જ્યારે કોંગ્રેસ પાસે ૧૬ સભ્યોનું સંખ્યાબળ હોવા છતાં તેઓ તાલુકા પંચાયતમાંથી ભાજપને સત્તાની બહાર રાખી શકે તેમ નથી, તો બીજી તરફ વિપક્ષના નેતા હરેશ પ્રજાપતિએ દાવો કરતા જણાવ્યું છે કે, બુધવારે મળેલી ખાસ સામાન્ય સભા બાદ આગામી દિવસોમાં બજેટ બેઠક બોલાવવી પડશે પરંતુ તેમાં વિપક્ષનું સંખ્યાબળ વધુ હોવાને કારણે આગામી વર્ષનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં ભાજપને નવનેજાના પાણી આવે તો નવાઈ નહીં કારણ કે અત્યારે વિપક્ષ પાસે ઉપપ્રમુખ તથા સામાજિક ન્યાય સમિતિ હોવાને કારણે બજેટ બેઠક દરમિયાન મડાગાંઠ ઊભી થવાની શક્યતા નકારી શકાતી નથી. હિંમતનગર તાલુકા પંચાયતમાં મળેલી ખાસ સામાન્ય સભા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઊભા થયેલા મતભેદ બાદ અત્યારે ભાજપના પ્રમુખ સત્તા પર છે અને તેમનું સંખ્યાબળ અગાઉ ૧૬ હતું, જે હવે બે સભ્યો કોંગ્રેસમાં જતા રહેતા ૧૪ થયું છે, જ્યારે વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસનું સંખ્યાબળ ૧૬ છે તેમ છતાં ભાજપ સત્તાથી બહાર કરવા માટે બે તૃતિયાઉંશ બહુમતી હોવી જોઈએ અને અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડે તો તેના માટે ર૦ સભ્યોની જરૂર હોય છે. અત્યારે ભાજપ પાસે ૧૬ સભ્યો હોવાથી તેમની મનસા પૂર્ણ થાય તેમ કાયદાકીય રીતે લાગતું નથી. અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાજપુર તાલુકા પંતાયતની બેઠક પરથી ચૂંટાયેલા ઘૂળસિંહ રહેવર અને બેરણા બેઠક પરથી ચૂંટાયેલા મમતાબેન સભાખંડમાં બેસી રહેતા વિપક્ષ કોંગ્રેસના સભ્યો ગેલમાં આવી ગયા હતા. જો કે આ બે સભ્યો ભાજપ કેમ છોડી ગયા તે અંગે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.