(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમી વધી રહી છે. ખાસ કરીને એકબીજા પક્ષો સામે આક્ષેપો, પ્રતિઆક્ષેપો, આવન-જાવન વગેરે પ્રક્રિયામાં ઉછાળો આવ્યો છે. પાંચ દસ કે તેથી વધુ વર્ષો સુધી જે તે પક્ષને વફાદાર રહ્યા બાદ કાર્યકરો કે નેતાઓને જરા અમથું વાકું પડે કે વર્ષો સુધી જાહોજલાલી ભોગવ્યા બાદ નવાને તક આપવામાં આવે તો પક્ષમાંથી છેડો ફાડી અન્ય પક્ષમાં જતા રહેતા હોય છે. આવી જ એક ઘટનામાં બનાસકાંઠાના દિઓદરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ આજરોજ ભાજપનું કમળ છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો હતો. દિઓદર ખાતે યોજાયેલા કોંગ્રેસના સંમેલનમાં અનિલ માળી તેમના અસંખ્ય કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આ સંમેલનમાં કોંગ્રેસના મહિલા આગેવાન વર્ષાબહેન ગાયકવાડ સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. અનિલ માળીએ પક્ષ સાથે નારાજગીનું કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના હાલના ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે અનિલ માળીના ભાજપ છોડવાથી કોઈ નુકસાન થવાનું નથી અને અલ્પેશ ઠાકોર પર પણ તેમણે નિશાન તાક્યું હોવાનું અનિલ માળીએ આક્ષેપ કર્યો હતો.