મોડાસા/ મેઘરજ, તા.૧૮
અરવલ્લી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકો માટે મોડાસા સરકારી ઈજનેરી કોલેજ ખાતે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ૨૦૧૨નું પુનરાવર્તન જોવા મળ્યું હતું. ત્રણે બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. ૩૧-મોડાસા વિધાનસભા બેઠકનું કોકડું ગૂંચવાતા સાંજે ૬ વાગે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની ત્રણે બેઠકો પર કાંટેકી ટક્કરમાં કોંગ્રેસે ભાજપને મહાત આપી હતી. કોંગ્રેસના ત્રણે વિજેતા ઉમેદવારના ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ નીકળ્યા હતા. ૩૧-મોડાસા-ધનસુરા વિધાનસભા બેઠક પર કાંટેકી ટક્કરમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરે ભાજપના ભીખુસિંહ પરમારને ત્રણ આંકડામાં માત આપવામાં સફળતા મળી હતી. મોડાસા વિધાનસભા બેઠક પર સવારે ૮ વાગે ગણતરી શરૂ થયા બાદ અગમ્ય કારણોસર મત ગણતરીનું કોકડું ગૂંચવાતા બંને પક્ષના ઉમેદવારો અને ટેકેદારોના ટોળેટોળા મોડાસા ઇજનેરી કોલેજ ખાતે ઉમટી પડ્યા હતા. ઉશ્કેરાટ ભર્યા વાતાવરણમાં આખરે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરનો ભવ્ય વિજય થતાં ટેકેદારો જુમી ઉઠ્યા હતા અને મોડાસા શહેરમાં ડીજેના તાલે વાજતે-ગાજતે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભિલોડા બેઠક પર કોંગ્રેસ-ભાજપ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખીય જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ દ્વારા છોટાઉદેપુરમાં એસપી તરીકે ફરજ બજાવતા પી.સી. બરંડાને કોંગ્રેસના અનિલ જોષિયારા સામે ઉતારતા ભારે રસાકસી જામી હતી અને ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપના ઉમેદવાર પી.સી. બરંડા જીત પાક્કી હોવાની જણાતી હતી. પરંતુ મત ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર ર્ડો.અનિલ જોષિયારાનો ૧૨૪૧૭ મતથી વિજેતા બનતા ભાજપમાં ભારે સન્નાટો મચ્યો હતો. ભિલોડાના કોંગ્રેસના ઉમેદવારનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. બાયડ-માલપુર સીટ અરવલ્લી જિલ્લામાં ભારે ચર્ચાનું કારણ બની હતી. જેમાં કોંગ્રેસના ધવલસિંહ ઝાલાએ મહેન્દ્રસિંહના વિશ્વાસુ ગણાતા ભાજપના અદેસિંહ ચૌહાણને ૭૪૮૬ મતે પછડાટ આપતા ધવલસિંહ ઝાલાએ મોડાસાથી બાયડ સુધી ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું.