જયપુર,તા.૧૩
રાજસ્થાનનાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટનાં બળવા અને રાજ્યમાં સરકાર ઉપર ઉભેલા સંકટ વચ્ચે જયપુરમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસનાં નેતૃત્વએ છેલ્લા ૪૮ કલાકમાં સચિન પાયલોટ સાથે અનેક વખત વાત કરી છે. વ્યક્તિગત પ્રતિસ્પર્ધા વ્યાજબી હોઈ શકે છે પરંતુ વ્યક્તિગત સ્પર્ધા કરતા રાજસ્થાન મોટું છે.
સુરજેવાલાએ કહ્યું કે, જો કોઈ મતભેદ છે, તો કોંગ્રેસ પાર્ટીનાં દરવાજા હંમેશા સચિન પાયલોટ સહિતનાં તમામ ધારાસભ્યો માટે ખુલ્લા હતા અને રહેશે. તેમણે કહ્યું કે વૈચારિક મતભેદો કેટલીકવાર ઉદ્ભવે છે જે પ્રજા તંત્ર પ્રણાલીમાં સ્વભાવિક છે. પરંતુ તમારા પોતાના પક્ષની સરકારને નબળી પાડવી અથવા ભાજપને વૈચારિક મતભેદોને લીધે ખરીદી અને વેચવાની તક આપવી તે અન્યાયી છે.
સુરજેવાલાએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, આવકવેરા વિભાગ, ઇડી, સીબીઆઈ, જ્યારે પણ મોદી સરકાર, ભાજપને લોકશાહીનો ભોગ લેવો હોય છે ત્યારે ભાજપનાં આ વિભાગ સૌથી પહેલા આગળ રહીને ઉભા રહી જાય છે. ગત રાત્રીએ અને આજે સવારથી આ વિભાગો ફરીથી રાજસ્થાનનાં વીરભૂમિ ઉપર કાયરતા બતાવવા માટે ઉતર્યા છે.