(સંવાદદાતા દ્વારા)
મોરબી, તા.૧૩
હળવદમાં બે દિવસ પહેલા પીઢ ભાજપના આગેવાનને પોલીસ સાથે માથાકૂટ થઈ હોય તેનો ખાર રાખીને અન્ય ભાજપ અગ્રણીએ હળવદના પીઆઇ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરીને હત્યાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની હળવદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ હળવદ પોલીસ મથકના પીઆઇ સંદીપ ખાંભલા સહિતનો સ્ટાફ હળવદની સરા ચોકડી પાસે લોકડાઉનની ફરજમાં હતો. તે સમયે કડીયાણા ગામના અને ભાજપ અગ્રણી અશોકસિંહ જાડેજા ત્યાંથી પોતાની કાર લઈને નિકળા હતા અને ફરજમાં રહેલા પીઆઇ ઉપર પોતાની કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી, પીઆઇ પડી ગયા હતા. બાદમાં કાર લઈને ભાજપ અગ્રણી નાસી છૂટ્યા હતા.
આથી, પીઆઈએ તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે બે દિવસ પહેલા ભાજપના કાર્યકર રવજીભાઈ દલવાડીને પોલીસે સાથે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી આરોપીએ પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી તમે હળવદ પોલીસ મથકમાં નોકરી કરો છો ને હું તમને જોઈ. લઈશ તેવી ધમકી આપી ધક્કો મારી પાડી દઈ પોલીસની ફરજમાં રૂકાવટ કરીને આરોપી અશોકસિંહએ પોતાની કારને સ્પીડમાં ચલાવી ફરજમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર મારી નાખવાના ઇરાદે ચડાવી લેવાનો પ્રયાસ કરીને નાસી છૂટ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. હળવદ પોલીસે ભાજપ અગ્રણી અશોકસિંહ સામે હત્યાની કોશિશ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.