ગાંધીનગર, તા.૧૭
ગુજરાતના ધારાસભ્યો પર ઈન્કમટેક્ષ વિભાગે મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ ગુજરાત વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યો પૈકી ૭૦ ધારાસભ્યોને ઈન્કટેક્ષ વિભાગે નોટિસ ફટકારી છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના દ્વારા કરવામાં આવેલી એફિડેવિટ અને ભરવામાં આવેલ આઈટી રિટર્નમાં મોટો તફાવત જોવા મળ્યો છે. બન્નેના આંકડાઓમાં તફાવત હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસના ૭૦ ધારાસભ્યો ઈન્કમટેક્ષ વિભાગના આંખે ચઢી ગયા છે. આ મામલે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, આ ઘટના મારા જાણમાં છે. અનેક ધારાસભ્યોને ઈન્કમટેક્ષ વિભાગની નોટીસ મળી છે અને જન પ્રતિનિધિ તરીકે આપણી ફરજ બને છે કે કાયદાની સંગત ચાલીને સહકાર આપવો જોઇએ. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા ઈન્કમટેક્ષ વિભાગના વિસંગતતાવાળી એફિડેવિટ અને આઈટી રિટર્ન અલગ તારવવા જણાવ્યું હતું. જેના ભાગરૂપે વિભાગે ધારાસભ્યોને નોટિસ પાઠવીને વધુ સ્પષ્ટતા માંગી રહ્યું છે. જો કે મને આવી કોઇ નોટિસ મળી નથી.
આ ઘટના બાદ રાજ્યમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ઈન્કમટેક્ષ વિભાગે નોટિસ ફટકારી હોય તેવું પહેલું રાજ્ય છે. ઈન્કમટેક્ષ વિભાગે આ મામલે જણાવ્યું છે કે, ગુજરાતના ૭૦ ધારાસભ્યોને નોટિસ ફટકારી છે તે વાત સાચી છે. જો કે, ભાજપ અને કોંગ્રેસના ક્યા ક્યા નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે તેની માહિતી ગોપનિયતાના કાયદાના કારણે આપી નહોતી.
આ આખી ઘટનામાં ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, તમામ ધારાસભ્યોને વિસંગતી મામલે સ્પષ્ટતા કરવા અમે પુરતો સમય આપ્યો છે. જો તેમ છતાં અમને કોઇ સંતોષજનક જવાબ નહીં મળે તો અમે નિયમ મુજબ તેમની વિરૂદ્ધ પગલા ભરીશું.