(એજન્સી)              તા.૧૩

હું ખરેખર ભાજપ માટે દુઃખ અનુભવી રહ્યો છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવી રીતે કંગના રણૌતના માધ્યમથી કાયદાકીય રીતે ચૂંટાયેલી મહારાષ્ટ્રની રાજ્ય સરકારને પાડી દેવાનો પ્રયાસ કર્યો. જ્યારથી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપની નાક નીચેથી મહારાષ્ટ્ર સરકારની સત્તા આંચકી લીધી છે ત્યારથી અત્યાર સુધીમાં કેન્દ્રની ભાજપ સરકાર હોય કે પછી રાજ્યના ભાજપના ટોચના નેતાઓ તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ, કોઈપણ માધ્યમથી મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને બદનામ કરવા કે સરકારને પાડે દેવાના પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ લોકો ઉદ્ધવ ઠાકરેને અપમાનિત કરવાના જ પ્રયાસો કરે છે. જો કે, અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ એ હતો કે, જ્યારે એનસીપી નેતા અજિત પવારને ઉપમુખ્યમંત્રી પદ આપીને મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર રચવાનો દાવો કરી દીધો હતો અને દેવેન્દ્ર ફડણવીસે બીજી વખત મુખ્યમંત્રી તરીકેના શપણ પણ લઈ લીધા હતા. જો કે, જેમ-જેમ રાજકીય ઘટનાક્રમ આગળ વધ્યો તેમ તેમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ બંને ભોંઠા પડ્યાં. બંનેના હાથમાં સત્તા ન આવી અને શરદ પવાર ગેમ કરી ગયા અને મહાવિકાસ અઘાડીની સરકાર રચાઈ ગઈ. બીજી બાજુ પાલઘરમાં જ્યારે બે સાધુઓની લિંચિંગ કરવામાં આવી ત્યારે પણ મહારાષ્ટ્ર સરકારને ઘટના મારફતે અપમાનિત કરવાનો પ્રયાસ કરાયો. ભાજપે તો મુખ્યમંત્રીના રાજીનામાની માંગ પણ કરી નાખી હતી અને એકાએક જ્યારે આરોપીઓના નામ બહાર આવ્યા તો એક જ ભાજપનો જ કાર્યકર હતો અને સરપંચની પણ તેનામાં ભૂમિકા હતી. સુશાંતસિંહ રાજપૂતના કેસમાં પણ એવું જ થયું. તેના માધ્યમથી પણ ભાજપે ઉદ્ધવને અપમાનિત કરવા પ્રયાસ કર્યા. ડ્રગ્સ માટે ઉદ્ધવ સરકારને બદનામ કરવા પ્રયાસ કરાયો, પરંતુ  તાજેતરમાં જ ભાજપના કર્ણાટકના કાર્યકરો ૧૨૦૦ કિલોગ્રામ ગાંજા સાથે પકડાયા.