અમદાવાદ, તા.૧પ
રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થઈ હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા અંગે કોંગ્રેસે કરેલી અરજીને ફગાવી છે. ત્યારે કોંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા માટે તા.૧૬ નવેમ્બરથી ભાજપ સમગ્ર ગુજરાતમાં ધરણા કાર્યક્રમો યોજશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાફેલ સોદા મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીઓ ફગાવતા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાફેલ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક અને યોગ્ય રીતે થઈ છે. જે સાબિત કરે છે કે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણ રીતે જુઠ્ઠા અને મનઘડત છે. ડિસેમ્બર ૨૦૧૮ બાદ ફરી એકવાર ૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવી છે. વધુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા અને તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી દ્વારા સંસદમાં અને જાહેરમંચ પરથી લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સતત જુઠ્ઠુ બોલીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે મર્યાદાહીન શબ્દોનો વારંવાર પ્રયોગ કરી દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. રાફેલ મુદ્દે દેશને ગુમરાહ કરી મર્યાદાહીન અને હલકી રાજનીતિ કરવા બદલ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી જાહેરમાં દેશની જનતાની માફી માંગે. કોંગ્રેસના જુઠ્ઠાણાઓને ઉજાગર કરવા કરવા માટે તારીખ ૧૬ નવેમ્બર ૨૦૧૯, શનિવારે સમગ્ર ગુજરાતમાં જિલ્લા સ્તરે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સૂત્રોચ્ચાર તેમજ “રાહુલ ગાંધી દેશની માફી માંગે”ના નારા સાથે વિરોધાત્મક ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે તેમ વાઘાણીએ જણાવ્યું હતું.