(એજન્સી) કોલકાતા, તા.૨૧
બંગાળમાં દરરોજ તૃણમૂલ અને ભાજપ વચ્ચેની લડાઈ વધતી જાય છે. ગૃહમંત્રી અમિત શાહનો ૨ દિવસીય બંગાળ પ્રવાસ પૂરો થયાના બીજા જ દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અમિત શાહ બાબતેપ્રશ્નો પર તેમણે કહ્યું કે ગૃહ મંત્રીને ખોટું બોલવું શોભતું નથી અને હું આવતીકાલે તેમના પ્રશ્નોના જવાબ આપીશ. તેમણે વધુમાં કહ્યું હતું કે “ભાજપ ચીટિંગબાજ પાર્ટી છે, રાજકારણ માટે તે કંઈપણ કરી શકે.’
મમતાએ કહ્યું, ’હું ૨૮ તારીખે એક સામેલ થવા માટે બીરભૂમ જઈશ અને ૨૯ તારીખે ત્યાં એક રેલી કરીશ. અમે નાગરિકતા સુધારણા બિલ (સીએએ) નો ત્યારથી વિરોધ કરી રહ્યા છીએ, જ્યારથી આ કાયદો પસાર કરાયો હતો. ભાજપ લોકોનું ભવિષ્ય નક્કી કરી શકતું નથી, લોકોને તેમનું ભવિષ્ય નક્કી કરવા દો. અમે સીએએ, એનપીઆર અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છીએ. કોઈપણ વ્યક્તિએ દેશ છોડવાની જરૂર નથી. શાહે રવિવારે બીરભૂમના બોલપુરમાં એક રોડ શો કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંગાળ શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં પાછળ જઈ રહ્યું છે અને ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને રાજકીય હિંસામાં નંબર વન બની ગયુ છે. મમતાએ કહ્યું હતું કે, અમિત શાહે જૂઠ્ઠાણાનો ઉકરડો ફેલાવતા કહ્યું હતું કે, ઉદ્યોગ ક્ષેત્રે અમારૂં રાજ્ય ‘ઝીરો’ છે પરંતુ અમે એમએસએમઈ સેક્ટરમાં નંબર વન છીએ. શાહ કહે છે કે, અમે ગ્રામ્ય માર્ગો બાંધી રહ્યા નથી પણ ખૂદ ભારત સરકારના જ અહેવાલ મુજબ અમે એમાં નંબર વન છીએ.