(એજન્સી) તા.૧ર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી બે મહિના પહેલાં પણ યોજાઈ શકી હોત પરંતુ બીજા કોઈ કારણસર નહીં પરંતુ ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી શકે તે માટે તેને મોકૂફ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસે ભાજપ પર ૧૯ જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેના ધારાસભ્યોને તોડવાનો આક્ષેપ કર્યો હતો. ઉપમુખ્યમંત્રી સચિન પાઈલોટ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલા સાથે પત્રકારોને સંબોધન કરતાં ગેહલોતે કહ્યું હતું કે, અમે એકજૂથ છીએ. રાજ્યસભાની ચૂંટણીમાં અમારો એક પણ ધારાસભ્ય બીજા કોઈને મત નહીં આપે અને અમારા બે ઉમેદવારો વિજયી બનશે. આ ચૂંટણીમાં સીપીઆઈ-એમના બે ધારાસભ્યો પણ અમને સમર્થન આપી રહ્યા છે. રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના નિરીક્ષક નિમાયેલા રણદીપ સુરજેવાલાએ ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે, રાજસ્થાનના લોકો અને ધારાસભ્યો આગામી ચૂંટણીઓમાં ભાજપને જડબાતોડ જવાબ આપશે. ઉપમુખ્યમંત્રી સચિન પાઈલોટે પણ બન્ને બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં દાવો કર્યો હતો કે અમારી પાસે જરૂર કરતાં પણ વધારે સંખ્યાબળ છે. અમારા બન્ને ઉમેદવારો નીરજ દાંગી અને કે.સી.વેણુગોપાલ વિજયી બનશે.