ભાજપ નેતાઓના ટિ્‌વટ પછી ગૃહમંત્રાલયની સ્પષ્ટતા અમિત શાહનો નવો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો નથી

(એજન્સી)               તા.૯

ગૃહમંત્રાલયના એક અધિકારીએ રવિવારે સ્પષ્ટતા કરી હતી કે ગૃહમંત્રી અમિત શાહનું ફરીવાર કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યું નથી. ગૃહમંત્રાલફના આ ખુલાસા પહેલા ભાજપ નેતા મનોજ તિવારીએ ટિ્‌વટ કર્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રીનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગૃહમંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે પણ અમિત શાહનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે ત્યારે દરેકને જાણ કરવામાં આવશે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ ટવિટર પર અમિત શાહનો કોવિડ-૧૯ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે પણ તિવારીના ટિ્‌વટને રિટિ્‌વટ કર્યું હતું. જો કે થોડીવારમાં તેમણે પોતાના ટિ્‌વટ  ડિલીટ કરી નાખ્યા હતા. ગૃહમંત્રાલયે એક મીડિયા નિવેદનમાં કહ્યું હતું કે ફકત ગૃહમંત્રાલય અથવા તો ગૃહમંત્રી અમિત શાહના ટિ્‌વટર એકાઉન્ટ તેમજ જે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિનને જ સાચું માનવામાં આવે. ઉલ્લેખનીય છે કે ર ઓગસ્ટે અમિત શાહે ટિ્‌વટર પર તેમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી.