(એજન્સી) તા.૩
તૃણમૂલ કોંગ્રેસ તરફથી જય શ્રી રામના સૂત્રના મુદ્દે આકરી પ્રતિક્રિયા આપ્યા બાદથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભારતીય જનતા પક્ષના નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છંછેડાયો છે. ભાજપે જ્યારે આ મામલે કહ્યું છું કે તેઓ મમતા બેનરજીને જય શ્રી રામ લખેલા ૧૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાનું અભિયાન શરૂ કરવાની વાત કરી હતી ત્યારે મુંબઇથી અનેક યુવાઓએ જય શ્રીરામ લખેલા પોસ્ટકાર્ડ મમતા બેનરજીને મોકલવાની શરૂઆત પણ કરી દીધી હતી. મુંબઈથી મમતા બેનરજીને જય શ્રી રામ લખીને પોસ્ટકાર્ડ મોકલવાનું નક્કી કરનારા યુવાઓએ ઈન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે એવા અનેક વીડિયો જોયા છે જે પશ્ચિમ બંગાળના છે અને ત્યાંના મુખ્યમંત્રી મમતા બેનરજી જય શ્રી રામની નારેબાજી કરનારા લોકોને અટકાવી રહ્યાં છે. ભાજપની જેમ મુંબઈવાસીઓ માને છે કે મમતા બેનરજીને જય શ્રી રામ બોલવામાં ભલે વાંધો હોય પણ તેમણે બીજાને તેની નારેબાજી કરતા અટકાવવા ન જોઈએ. ઘાટકોપરનો વતની સુશીલ ગુપ્તાએ ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વાતચતીમાં કહ્યું હતું કે અમને મીડિયા પર એવા અનેક વીડિયો જોવા મળ્યા જેમાં મમતા બેનરજી જય શ્રી રામની નારેબાજી કરનારા લોકો સામે વાંધો દર્શાવી રહ્યાં છે. આ અસ્વીકાર્ય છે. જે લોકો જય શ્રીરામની નારેબાજી કરે છે તેમની વિરુદ્ધ મમતા બેનરજી કાર્યવાહી કરી રહી છે. મમતા બેનરજીએ સૌથી પહેલા તો જાણી લેવું જોઇએ કે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે નહીં કે બાંગ્લાદેશના. પશ્ચિમ બંગાળ ભારતનો જ ભાગ છે. તે કેવી રીતે હિન્દુઓને જય શ્રી રામની નારેબાજી કરતા અટકાવી શકે. જ્યારે જેએનયુના વિદ્યાર્થીઓ અવાજ ઊઠાવી રહ્યા હતા તો તેઓ લોકશાહીની વાતો કરી રહ્યા હતા અને હવે ક્યાં ગયા તે જ્યારે જય શ્રી રામની નારેબાજી કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.