(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૭
સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ પ્રમુખ અને મહામંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. મહત્ત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાત વખતે બંને નેતાઓ તેઓની સાથે એક જ કાર કારમાં સવાર હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનાં ભાજપ પ્રમુખ દિલિપ પટેલ તથા મહામંત્રી જગદીશ મકવાણાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. તાજેતરમાં નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાત વખતે કોરોના સંક્રમિત ભાજપ જિલ્લા પ્રમુખ અને મહામંત્રી તેઓની સાથે એક જ કારમાં સવાર હતા. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ કવોરન્ટાઈન થશે કે નહીં તે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા અને કોરોના વકરે તેવી ભીડ એકઠી થઈ હતી. આમ કહી શકાય કે સત્તાધારી પક્ષના નેતાઓને જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ભારે પડ્યા છે.