પાલનપુર, તા.૩
બનાસકાંઠા જિલ્લો ભલે કોંંગ્રેસનો ગઢ ગણાતો પણ ઇતિહાસ વારંવાર પુનરાવર્તન થતો નથી. આવનારા સમયમાં નવો ઇતિહાસ રચીશું એમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે પાલનપુર ખાતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા ભાજપના કાર્યકરોએ તેમને પાલનપુરના દિલ્હીગેટ ખાતે પુષ્પવર્ષા કરી આવકાર્યા હતા. ત્યારબાદ તેમને શણગારેલા રથમાં બેસાડી દિલ્હીગેટથી આંબેડકર હોલ સુધી ડીજે તેમજ ઢોલ નગારાંના તાલ સાથે લઇ જવાયા હતા. પાલનપુરમાં કાર્યકરો અને ભાજપા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ ભાજપના કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જણાઈ રહ્યો છે. કાર્યકરો માસ્ક સહિતના નિયમોનું પાલન કરી સ્વાગત માટે આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો ભલે કોંગ્રેસનો ગઢ ગણાતો પણ ઇતિહાસ વારંવાર પુનરાવર્તન થતો નથી. આવનારા સમયમાં નવો ઇતિહાસ રચીશું. કોરોના વાયરસના પગલે સેનિટાઇજર અને માસ્કની વ્યવસ્થા કરાઇ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખના આગમનને લઇ શહેરમાં કેસરીયો માહોલ જામ્યો હતો. તેમની સાથે ગોરધન ઝડફિયા, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તા જોડાયા હતા.