(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.૪
રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પટેલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે જેમાં શનિવારે સાંજે ૪ વાગે રાજેન્દ્રનગર ચોકડીથી અરવલ્લી જિલ્લાનું ભ્રમણ કરશે. સી.આર.પાટીલને આવકારવા જિલ્લામાં ઠેર-ઠેર બેનરો જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ પ્રવર્તી રહ્યો છે સમગ્ર દેશમાં વડાપ્રધાનની પ્રચંડ લહેર વચ્ચે પણ જિલ્લામાં જોવા મળતાં આંતરિક જૂથવાદનો લાભ કોંગ્રેસને થતાં ત્રણે બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો વિજેતા બન્યા હતા. જિલ્લામાં પ્રફૂલ પટેલ જૂથ, પ્રદીપસિંહ જાડેજા જૂથ, નીતિન પટેલ જૂથ અને શંકર ચૌધરીનું જૂથ હોવાનું રાજકીય સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. જિલ્લામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ચારેય દિશામાં વહેંચાયેલા છે ત્યારે જિલ્લામાં ભાજપના આંતરિક જૂથવાદના ચક્રવ્યૂહને ખાળવામાં લોઢાના ચણા ચાવવા પડે તો નવાઈ નહીં જિલ્લામાં વિવિધ મોરચામાં પણ જૂથવાદ પ્રવર્તી રહ્યો છે.
૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં દેશમાં મોદી લહેર વચ્ચે પણ અરવલ્લી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ભાજપના આંતરિક જૂથવાદના દર્શન નગરપાલિકાની પ્રમુખ, ઉપ્રમુખની ચૂંટણીમાં પણ થઈ ચૂક્યા છે. જિલ્લામાં બહારથી ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ભલે શિસ્તબદ્ધ જણાઈ રહ્યા હોય પરંતુ આંતરિક જૂથવાદ મોટા પ્રમાણમાં પ્રવર્તી રહ્યો છે. ત્યારે આગામી વિધાનસભા-૨૦૨૦ની ચૂંટણીઓ માટે સી.આર.પાટીલ રોડ મેપ તૈયાર કરી રહ્યા હોય તેમ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપમાં જોવા મળતો આંતરિક જૂથવાદના ચક્રવ્યુહના કોઠાને કઈ રીતે ભેદી શકે છે તે જોવું રહ્યું જિલ્લાના રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જિલ્લાના આંતરિક જૂથવાદને ભેદવો અશક્ય છે. જિલ્લા ભાજપમાં રાજ્યના મોટા નેતાઓએ મજબૂત પાયા નાખી દીધા છે. જિલ્લામાં ચારેય નેતાઓના નામ પ્રદેશ પ્રમુખની રેસમાં હોવાનું જોરશોરથી કહી રહ્યા હતા. ત્યારે કેન્દ્રની નેતાગીરીએ સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવતા સોપો પડી ગયો હતો. જિલ્લામાં થતી રોજેરોજની માહિતી તેમના માનીતા નેતાઓ પાસે પહોંચી જતી હોય છે.
અરવલ્લી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચામાં વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ અને કાર્યકરો, રાજ્ય સભાના સાંસદ જુગલ ઠાકોર, અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓ અને કાર્યકરોમાં પણ જૂથવાદ જોવા મળે છે. અમદાવાદ પ્રમુખ જગદીશ પંચાલનું પણ જૂથ જીલ્લામાં સક્રિય છે અનુસૂચિત જાતિ મોરચામાં શંભુપ્રસાદ ટુંડિયા અને આત્મારામ પરમારનું જૂથ તેમજ અનુસૂચિત જનજાતિમાં રમીલાબેન બારા અને પૂર્વ આઈપીએસ પી.સી.બરંડાનું પણ જૂથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.