મોઢવાડિયા એ જૂઠવાડિયા છે, એક પણ કેસ હોય તો રાજનીતિ છોડી દઈશ : પાટીલ

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ઘણા કેસ નોંધાયા છે અને તેઓ ૩ર લક્ષણા પ્રમુખ હોવા સહિતના આક્ષેપો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા બાદ તેના જવાબમાં વળતો પ્રહાર કરતા ભાજપ પ્રદેશ પ્રમુખે અર્જુન મોઢવાડિયા એ જૂઠવાડિયા છે. તેમ જણાવતા કહ્યું કે, મારા પર એક પણ કેસ હોય તો હું રાજકારણ છોડી દઈશ. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સી.આર. પાટીલ પર કરેલા આક્ષેપો મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આકરી પ્રતિક્રિયા આપી છે. ધારી ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલા કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પ્રચારને ડાયવર્ટ કરવા માંગે છે. તેમના પર કોઈ કેસ નથી અને તેના પૂરાવા સ્વરૂપે વર્ષ-૨૦૧૯નું એફિડેવિટ પણ આપ્યું હતું. કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કેસ તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે છે. મોઢવાડિયાએ તેમનું રાજીનામું માંગવું જોઈએ. કચ્છ અબડાસામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર સભામાં સી.આર.પાટીલે અર્જુન મોઢવાડિયા પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, અર્જુન મોઢવાડિયા ખોટું બોલે છે. મારા પર એક પણ કેસ હોય તો હું રાજનીતિ છોડી દઈશ. અમિત ચાવડા, ધાનાણી, હાર્દિક પટેલ કોંગ્રેસની હાર સમજી ગયા છે. અમે ૮ બેઠકો પર વિજય મેળવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ પાટીલ સામે આકરા પ્રહારો કર્યા હતા, જેમાં ભૂતકાળમાં પોલીસ કોન્સ્ટેબલ હતા. ૧૯૭૮માં દારૂના જથ્થામાં બૂટલેગરોની મદદના કારણે સસ્પેન્ડ થયા હતા. ૧૯૯૫ ઓકટોબરમાં સુરત કોર્પોરેશનનો ઓક્ટ્રોય મુદ્દે ફરિયાદ થઈ હતી. ૧૯૮૪માં પોલીસ યુનિયન બનાવવા મુદ્દે ફરિયાદ થઈ હતી. ૨૦૦૨માં ડાયમંડ બેંક કૌભાંડમાં જેલવાસ ભોગવ્યો હતો. સી.આર.પાટીલ સામે ૧૦૭ કેસ નોંધાયા છે. ૩૨ લક્ષણા ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ છે.