(એજન્સી) બેંગલુરૂ, તા.૯
કર્ણાટકમાં રાજકીય કટોકટી સર્જવામાં ભાજપની ભૂમિકા હોવાના એક પુરાવારૂપે ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવેલા એક અપક્ષ ધારાસભ્યને બાનમાં રાખવામાં આવ્યા હોવાનો કોંગ્રેસના નેતાએ આરોપ મુક્યા બાદ એરપોર્ટ પર નાટ્યાત્મક પીછો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભાજપ બાર્સ (દારૂના પીઠા) અને રેસ્ટોરન્ટ્‌સમાં તેના મુખ્યપ્રધાનો નિયુક્ત કરે છે. પ્રધાન બનાવવામાં આવ્યાના માત્ર એક મહિનામાં જ સોમવારે ગઠબંધન સરકારમાંથી રાજીનામું આપનાર અપક્ષ ધારાસભ્ય એચ.નાગેશને બેંગલુરૂ એરપોર્ટ ખાતે ફોટમાં જોવામાં આવ્યા હતા. એચ. નાગેશ મુંબઇ જતા એક ખાસ વિમાનમાં સવાર થયા હતા. ટારમેક પર નાગેશ સાથે ચાલી રહેલા બે લોકોમાંથી એક કર્ણાટક ભાજપના વડા બીએસ યેદિયુરપ્પાના અંગત સહાયક હોવાનું જણાવવામાં આવ્યું છે. યેદિયુરપ્પા સહિત ભાજપના ઘણા નેતાઓએ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ૧૩ ધારાસભ્યોના રાજીનામામાં તેમની સંડોવણી હોવાની વાતોને વાહિયાત ગણાવીેને ફગાવી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે બળવાખોરો ધારાસભ્યો સાથે વિમાનમાં યેદિયુરપ્પાના અંગત સહાયક હતા. ભાજપ બાર્સ અને રેસ્ટોરન્ટ્‌સમાં તેના મુખ્યપ્રધાનો નિયુક્ત કરે છે. અગાઉ, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં ભાજપે એમ કર્યું હતું. દરમિયાન, કર્ણાટકમાં કોંગ્રેસના પ્રધાન અને રાજ્યમાં કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારે જણાવ્યું કે એચ.નાગેશે ફોન કરીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. હવે નાગેશ મને ફોન કરીને કહ્યું કે ભાજપ અને યેદિયુરપ્પાના અંગત સહાયકે તેમનું અપહરણ કર્યું છે. હું એરપોર્ટ પહોંચ્યો તે પહેલા ફ્લાઇટે ઉડાન ભરી લીધી હતી. એવું શિવકુમારે પત્રકારોને જણાવ્યું છે.