(એજન્સી) તા.૧
ફેબ્રુ.૨૦૧૯માં પુલવામા આત્મઘાતી બોંબ હુમલા અને તેની વિરૂદ્ધ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતના હવાઇ હુમલાને આજે એક વર્ષ કરતાં વધુ સમય વિતી જવા છતા ંઆ ઘટનાઓ ફરીથી જાહેરમાં ઉછાળવામાં આવી રહી છે. પાકિસ્તાનની સંસદમાં વિરોધ પક્ષ પાકિસ્તાન મુસ્લિમલીગ (નવાઝ)ના સાંસદ સરદાર ઐયાઝ સાદ્દીકે જણાવ્યું હતું કે પાકિસ્તાનને ભારતના હુમલાના ડરથી ભારતીય પાયલટ અભિનંદનને છોડી મૂકવા પડ્યાં હતાં. સાદીકે એવું પણ જણાવ્યું હતું કે એ વખતે પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાનના પગ થરથર કાંપી રહ્યાં હતાં. સાદ્દીકના આ દાવા પર પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ખવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે પુલવામામાં આપણી સફળતા એ ઇમરાનખાનના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સફળતા છે. આ સાંભળીને ભાજપે તરત આ વિવાદમાં ઝૂકાવ્યું. જો કે ભાજપે પાકિસ્તાનને નિશાન બનાવવાના બદલે કોંગ્રેસને આડે હાથ લીધી. ભાજપના પ્રમુખ જે. પી.નડાએ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી. માત્ર ભાજપ જ નહીં મોટા ભાગના ભારતીય મિડીયાઓએ પણ આવું જ કર્યુ.
વિડંબના એ વાતની છે કે આજે જ્યારે ભારત સામે લદ્દાખમાં ચીન તરફથી ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઊભો થયો છે ત્યારે તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. વેધક પ્રશ્ન એ છે કે લદ્દાખમાં ચીનના વર્તમાન આક્રમણની ઘોર ઉપેક્ષા કરીને ભાજપ બાલાકોટ ઘટનાની જૂની યાદોને કેમ વધુને વધુ ઉછાળીને તેમાંથી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહ્યો છે ? લદ્દાખમાં ચીની સૈન્યની ઘૂસણખોરી કરીને ભારતીય પ્રદેશનો ૧૦૦૦ ચો.કિ.મી.જેટલો વિસ્તાર કબજે કરી લીધો હોવાનું ધ હિંદુ અખબારમાં પણ જણાવાયું હતું. ભાજપનો ઇરાદો બિહાર રાજ્યની ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર ઝૂંબેશમાં આ મુદ્દો ઉછાળીને રાજનીતિ ખેલવાનો છે. બીજી બાજુ ભાજપ વર્તમાન ચીન સંકટની વાત કરવા માગતું નથી. ભાજપની આ હરકત પાછળ બિહારની ચૂંટણીઓ છે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.