(એજન્સી)નવી દિલ્હી,તા.૨૬
મહિલા અધિકારોના અગ્રણી સંગઠન ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વુમન્સ એસોસિએશન (એઆઈપીડબ્લ્યુએ)ને ભાજપ શાસિત રાજ્યોમાં કહેવાતા લવ-જિહાદ સામે કાયદો લાવવાની હિલચાલનો વિરોધ કર્યો હતો. સંગઠનનું માનવું છે કે, આ પ્રકારના કાયદા દ્વારા હિન્દુ મહિલાઓના અધિકારો પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સંગઠને આ પ્રસ્તાવિત કાયદાની ઝાટકણી કાઢી હતી. સંગઠને વધુમાં સૂચન કર્યું હતું કે, નફરત સામે મજબૂત કાયદા બનાવવામાં આવે ન કે, પ્રેમ સામે. ભાજપ શાસિત ઘણાં રાજ્યો કહી ચૂકયા છે કે, તેઓ લવ-જેહાદ સામે કાયદો લાવશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે પણ બિહારમાં આ પ્રકારનો કાયદો ઘડવાની માંગ કરી હતી. ઉત્તરપ્રદેશ સરકારે ગત મંગળવારે આંતરધર્મીય લગ્નોને ગુનાહિત કૃત્ય ગણતો વટહુકમ પસાર કર્યો હતો.
મહિલા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ રાતી રાવે જણાવ્યું હતું કે, અમે આવા કોઈપણ કાયદાનો વિરોધ કરીએ છીએ. આ પ્રકારનો કાયદો હિન્દુ મહિલાઓની સ્વતંત્રતા પર રોક લગાવનારો છે. એટલું જ નહીં આ પ્રસ્તાવિત કાયદો હિન્દુ મહિલાઓના બંધારણીય અધિકારો પર પણ તરાપ સમાન છે. હિન્દુ મહિલાઓને બંધારણે પોતાના જીવનના નિર્ણયો કરવાનો અધિકાર આપેલો છે. આ પ્રકારના કાયદાને ભારતમાં કોઈ સ્થાન નથી. આંબેડકરના બંધારણમાં પણ આ વિચાર રજૂ કરવામાં આવ્યો છે.
સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ મીના તિવારીએ જણાવ્યું હતું કે, મનુવાદી દળોના વિચારો વિરૂદ્ધ ડોકટર આંબેડકરે હિન્દુ કોડ બિલ લાગુ કર્યું હતું. જેમાં હિન્દુ મહિલાઓને સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર આપતી ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. લાંબી લડત બાદ દહેજ પ્રથા અને સતી પ્રથા સામે કાયદો ઘડવામાં સફળતા મળી હતી. લવ જિહાદ સામે કાયદો એ ભાજપનું કાવતરૂં છે. ભાજપ દહેજ અને સતી પ્રથા સામેના કાયદાઓને કમજોર બનાવવા અને હિન્દુ મહિલાઓના અધિકારો છિનવા માંગે છે. આજના સમયમાં મુસ્લિમ યુવા હિન્દુ યુવતી કે મહિલા માટે જોખમી નથી પણ હિન્દુઓના નામે ભાજપ દ્વારા કરાતી રાજનીતિ જોખમી છે. ઈતિહાસ સાક્ષી છે કે, ધર્મના નામે શાસન કરનારી સરકારોએ મહિલાઓ પર દમન જ આચર્યું છે. સંગઠનના અન્ય એક સભ્ય કવિતા ક્રિશ્નને જણાવ્યું હતું કે, પુખ્ત વયની વ્યક્તિને પોતાની મરજી મુજબના ધર્મનો સ્વીકાર કરવાનો અને પોતાની ઈચ્છા મુજબ લગ્ન કરવાનો અધિકાર છે. સંગઠને હિન્દુ મહિલાઓ અને યુવાઓને હાકલ કરી હતી કે, તેઓ સ્વતંત્રતા અને સ્વાયત્તતાના રક્ષણ માટે ભાજપના આ પ્રસ્તાવિત કાયદા સામે અવાજ બુલંદ કરે.