(એજન્સી) તા.૧૪
ભાજપ બેંગ્લુરુની હિંસાનો વિપક્ષોને બદનામ કરવા અને પોતાના રાજકીય વૈમનસ્યને કારણે બદલો લેવા માટે ઉપયોગ કરી રહી છે એવો આક્ષેપ વિપક્ષોએ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેંગ્લુરુમાં ટોળાઓએ બે પોલીસ સ્ટેશનને આગ ચાંપીને ૫૦ પોલીસકર્મીઓને ઇજા પહાેંચાડી હતી. કર્ણાટકમાં વિરોધ પક્ષ કોંગ્રેસોએ હિંસાખોરોને સજા કરવાની માગણી કરી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર બદનક્ષીકારક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવી જોઇએ. ભાજપ જો કે આ હિંસક ઘટનાનો લાભ પોતાના એકંદરે રાજકીય હેતુ માટે કરી રહ્યો છે. જો કે નજીકના ભવિષ્યમાં તેમાંંથી કોઇ લાભ થવાની શક્યતા નથી. પોલીસ નિષ્ફળતા પર ધ્યાન દોરતા કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયા પર બદનક્ષીકારક પોસ્ટ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગણી કરી છે. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારે આ હુલ્લડો ભડકાવનાર અને આગની ઘટનામાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. શિવકુમારે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે જેમનું ઘર સળગાવવામાં આવ્યું હતું એ કોંગ્રેસના ધારાસભ્યને રક્ષણ આપવામાં પોલીસ નિષ્ફળ ગયું છે. એટલું જ નહીં પોલીસ સ્ટેશન સળગાવનાર સામે પણ કોઇ કાર્યવાહી કરી હોવાનું જણાતું નથી. તેમણે એકાએક ફાટી નીકળેલી હિંસા પાછળના કારણોની તપાસ કરવા એક સત્યશોધક ટીમની રચના કરી છે. જનતાદળ -એસના પૂર્વ નેતા અને બસપાના સાંસદ દાનિશ અલીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા શાસિત રાજ્યોમાં પોલીસ દબાણ હેઠળ કેમ કામ કરી રહી છે ? જ્યારે બિન-ભાજપ રાજ્યોમાં પોલીસ તુલનાત્મક રીતે પ્રોફેશનલ કામગીરી કરે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં કેમ વિલંબ થયો ? તેમણે ઉમેર્યુ હતું કે ભાજપ શાસિત કર્ણાટકમાં પોલીસે જો અન્ય સ્વરૂપની બદનક્ષીકારક પોસ્ટ વિરુદ્ધ જો ફરિયાદ થઇ હોત તો અલગ જ કાર્યવાહી થઇ હોત. બસપાના સાંસદ દાનિશ અલીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ભૂખમરો, બેરોજગારી અને કોવિડ-૧૯ જેવી સળગતી સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન બીજે વાળવા માટે ભાજપને આ પ્રકારની હિંસા અને હુલ્લડખોરી મદદરુપ થાય છે.