અમદાવાદ, તા.૭
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના નાગરિકો પર પ્રથમવાર વાહનવેરો ઝીંકવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપ શાસકો સ્થાનિક નાગરિકો સાથે ઓરમાયુ વર્તન રાખી રહ્યાં છે. શહેરના નાગરિકો પર પ્રથમવાર વાહનવેરો ઝીંકનાર ભાજપ શાસકો “હેરાફેરી-ફેરાફેરી”બંધ કરશે તો ગાંધીનગરના નાગરિકોને વેરામાંથી મુક્તિ મળશે. ભાજપ શાસકોની અણઆવડત આયોજનના અભાવના લીધે પાટનગર ગાંધીનગર શહેરમાં સુવિધા વધારાના બદલે ઘટાડો થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવકતા નિશીત વ્યાસે જણાવ્યું હતું કે ગાંધીનગરના નાગરિકોને કોર્પોરેશનને દરજ્જો મળે તે માટે ભાજપ શાસકો સંપૂર્ણ ઉદાસીન જ નહીં પણ સંપૂર્ણ નકારાત્મ્ક અભિગમથી દરજ્જો ન મળે તે દિશામાં કામગીરી કરતાં હતા. ગાંધીનગર શહેરના સીનિયર સિટીઝનોએ લાંબી લડત લડ્યા બાદ કાનૂની લડતમાં હાઈકોર્ટની ફીટકાર બાદ નાછૂટકે ભાજપ શાસકોને ગાંધીનગર શહેરને કોર્પોરેશનનો દરજ્જો આપવાની ફરજ પડી. પ્રથમ ચૂંટણીમાં જ કોર્પોરેશનમાં ભાજપાની હાર થઈ અને કોંગ્રેસ પક્ષને શહેરના નાગરિકોએ જવાબદારી સોંપી તે દિવસથી ભાજપાએ સત્તા હડપવા કાવત્રા શરૂ કર્યા અને તોડફોડની રાજનીતિથી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા કોર્પોરેશનના સભ્યોને તોડીને સત્તા કબજે કરી. ફરીથી વર્ષ-ર૦૧૬માં યોજાયેલ ચૂંટણીમાં પણ શહેરના નાગરિકોએ ફરીથી કોંગ્રેસ પક્ષને સત્તા આપી પણ ભાજપે ફરી એક વખત તોડફોડની રાજનીતિ કરીને પક્ષ પલટા દ્વારા સત્તા મેળવી. ગાંધીનગર શહેરના નાગરિકો સતત નજીકથી ભાજપા શાસકો અને શાસનને જોઈ રહ્યાં હોવાથી હંમેશા ભાજપને જાકારો આપે છે. અને કોંગ્રેસને સત્તા સોંપે છે. પરંતુ યેનકેન પ્રકારે સત્તા મેળવ્યા બાદ ભાજપના શાસકો ગાંધીનગર શહેરના નાગરિકો માટે આયોજનબદ્ધ સુવિધા ઊભી કરવાને બદલે પોતાના મળતીયાઓ સાથે આડેધડ બાંધકામ હોય કે શહેરના ટ્રાફિકની વાત હોય કે પછી શહેર માટે પીવાનું પાણી અને સ્વચ્છતાની વાત હોય તમામ બાબતોમાં અવ્યવસ્થા જોવા મળે છે. પ્રથમ વખત વાહનવેરો શહેરના નાગરિકો પર ઝીંકવામાં આવ્યો છે તેમાં વ્યાજબીપણું તપાસવામાં આવ્યું નથી.