અમદાવાદ, તા.૧૦
કેન્દ્રમાં ગુજરાતમાં અને મધ્યપ્રદેશમાં પણ ભાજપની સરકાર હોવા છતાં મધ્યપ્રદેશે ગુજરાતને નર્મદાનું વધુ પાણી આપવાની કરેલી માગણીને ઠુકરાવી દેતા ગુજરાતે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવા માગણી કરી છે. ગુજરાત સરકાર એવું ઈચ્છી રહી છે કે કેન્દ્ર સરકાર નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને વધુ પાણી છોડવા માટે નિર્દેશ આપે.
ભાજપ શાસિત મધ્યપ્રદેશે પાણીના અભાવે તરસ્યા ગુજરાત અને સૂકી ભઠ્ઠ બની રહેલી નર્મદાને વધારાનું પાણી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ગુજરાતની ભાજપ સરકારે મધ્યપ્રદેશ પાસે નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સૂકાઈ રહેલી નર્મદા નદી અને તેના આધારિત આસપાસના પર્યાવરણ બચાવ માટે, દહેજ ખાતે આવેલ ઈન્ડસ્ટ્રીની જરૂરિયાત માટે તથા નર્મદાના કાંઠે વસતા અને નદી પર નભતા લાખો લોકોના જીવનનિર્વાહ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી મૂકવામાં આવી હતી કે, નર્મદાન ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે, જેથી હાલ ૬૦૦ ક્યુસેક પાણી ધરાવતા સરદાર સરોવર ડેમની સપાટીને ૧પ૦૦ ક્યુસેક સુધી લઈ જઈ શકાય. પાછલા બે વર્ષથી ઉનાળામાં ડેમમાંથી ખૂબ જ થોડી માત્રામાં પાણી છોડવામાં આવતું હોવાથી ભરૂચ ખાતે નર્મદા નદી સાવ મૃતપાય સ્થિતિમાં પહોંચી છે. ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડી. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી અરજી કરી હતી. ત્યારબાદ ગત મહિનામાં પણ બીજીવાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જો કે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી. જાન્યુઆરીમાં મધ્યપ્રદેશ દ્વારા પાંચ હજાર એમસીએમ પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ ગુજરાત દ્વારા વધુ આઠસો એમસીએમ પાણીની માગણી કરાઈ છે. મહત્ત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. તેને કારણે શિવરાજસિંહ ચૌહાણની સરકારે જાન્યુઆરીમાં ગુજરાત દ્વારા એનસીએને મળેલી વધુ પાણી છોડવાની માગણીને નકારી છે. ર૮મી જાન્યુઆરીએ મધ્યપ્રદેશની સરકાર દ્વારા વિનયપૂર્વક વધુ આઠસો એમસીએમ પાણી છોડવાની વિનંતી સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેડ સ્ટોરેજના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી હતી. પાણીના બદલામાં મધ્યપ્રદેશને વીજળી આપવામાં આવશે. તેમ છતાં હાલ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પાણી આપવા ધસીને ના પાડવામાં આવી છે.