(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા.૩૧
અમરેલી જિલ્લાનો એકમાત્ર ઔદ્યોગિક ગણાતો રાજુલા વિસ્તારમાં છેલ્લી બે ટર્મથી ભાજપનું શાસન છે. રાજુલા આમ ગણીએ તો વિકસિત શહેરમાં ગણના થાય છે રાજુલાનો ટાવર, હોસ્પિટલ, એસટી બસ સ્ટેન્ડ, પોલીસ મથક આધુનિક બની ગયા છે પણ નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે પાલિકા વિસ્તારોમાં હજુ અમુક જગ્યાએ રોડ-રસ્તાના કામો ચાલુ છે. જાહેર રોડ પર કચરાના ઢગલાઓ પણ જોવા મળે છે. ગટર ગંગા રોડ પર વહી જાય છે સ્વચ્છતાના નામે પાલિકાની કામગીરી નબળી દેખાઈ છે પણ સ્થાનિકને પાલિકાની કામગીરીથી સંતોષ છે. રાજુલા ભાજપ સ્થિત પાલિકામાં સ્થાનિકને રોડ-રસ્તા, લાઈટ, પાણીની સુવિધાથી સંતોષ છે પણ અમુક સ્થાનિકોએ ભાજપના નગરસેવકો સામે આંગળી ચીંધી હતી અને ભાજપ સ્થિત પાલિકા સામે આક્ષેપો પણ કર્યા હતા. પૈસા વિના પાલિકામાં કામ થતાં નથી તો પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ ઉઠી છે તો હાલમાં જ સત્તા પરિવર્તનથી સ્થાનિકોમાં કોંગ્રેસ પ્રત્યે લાગણીઓ વધી હોય તેમ આ વખતે કોંગ્રેસ પાલિકા પર કબજો કરે તેવા સ્થાનિકોએ દાવા કર્યા છે. પાલિકાની ૭ વોર્ડમા ૨૮ બેઠકોમાંથી ૨૦ સીટો પર કોંગ્રેસ કબજો કરે તેવું વિધાનસભાની ચૂંટણી બાદ સ્થાનિકો જણાવે છે તો પાલિકાના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, આ વખતની ચૂટણીમાં કોંગ્રેસ દ્વારા દરેક જ્ઞાતિને સાથે રાખીને રાજુલા પાલિકાની ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી કાઢી છે સક્ષમ ઉમેદવારોને કોંગ્રેસ મેદાનમાં ઉતારવાની છે પણ ભાજપ શાષિત પાલિકાના ચેરમેને જણાવ્યું હતું કે, રાજુલાની પાંચ વર્ષની ભાજપ રચીત પાલિકાએ રોડ રસ્તાના ૮૫% કામો પૂર્ણ કર્યા છે બાકીના ૧૫%ના બાકીના રોડના કામો પ્રક્રિયામાં છે સ્વચ્છતા અને પાણી સાથે એલઈડી લાઈટોથી રાજુલા શહેરને સુંદર બનાવ્યું હોવાના દાવા સ્થાનિક પાલિકાના ચેરમેને કર્યા છે તો રાજુલાના નવનિયુકત ધારાસભ્ય અંબરીશ ડેરે પાલિકાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, દસ વર્ષથી રાજુલા પાલિકા પર ભાજપનો કબજો છે પણ હાલમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસને રાજુલામાંથી જંગી લીડ નીકળી હતી અને ભાજપ શાષિત પાલિકાથી લોકો કંટાળ્યા છે ત્યારે આ પાલિકાની ચૂટણીમાં કોંગ્રેસ વિજય થાય તેવો આશાવાદ રાજુલાના ધારસભ્ય ડેર વ્યકત કરી રહ્યા છે પણ રાજુલાના નગરજનો આગામી ૧૭ ફેબ્રુઆરીએ ભાજપ કે કોંગ્રેસ તરફ ઝૂકશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.