(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સીએએ-એનઆરસી વિરૂદ્ધ દિલ્હીના શાહિનબાગથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન ધીમે-ધીમે દેશભરમાં ફેલાઈ રહ્યું છે. જો કે, સુરતમાં શરૂ થયેલા પ્રદર્શનને કચડી નાંખવા માટે દક્ષિણ પંથી માનસિકતા ધરાવતા મદદનીશ કમિશનર કક્ષાના અધિકારીએ ખાખી વર્દીને લજવી હોવાની ઘૃણાસ્પદ વિગતો બહાર આવી છે. મુસ્લિમ સમાજના લોકોને પાકિસ્તાની અને બાંગ્લાદેશી તરીકે સંબોધન કરતાં જ ભારે વિવાદ સર્જાયો છે. આવી હરકતથી તમામ સમાજના લોકોમાં એસીપી પટેલ વિરૂદ્ધ ભારે રોષ વ્યાપી ગયો છે. દિલ્હી તથા અન્ય રાજ્યોમાં બે મહિના ઉપરાંતથી મુસ્લિમ અને કચડાયેલા વર્ગની તમામ જ્ઞાતિની મહિલાઓ આંદોલન ચલાવી રહી છે. બંધારણે આપેલી અભિવ્યક્તિની આઝાદીના અધિકાર અન્વયે શાંત સ્વયંભુ ધરણા કરી સી.એ.એ અને એન.આર.સી. રદ કરવા માગણી કરી રહેલી મહિલાઓએ ગુજરાતમાં પણ પ્રદર્શન શરૂ કર્યાં છે જેમાં સુરતમાં પણ લિંબાયત સ્થિત ઓમનગર અને રાંદેર ટાઉનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ધરણાં પ્રદર્શન યોજી રહી છે. મહિલાઓનું આ આંદોલન સ્વયંભુ અને શાંત રહ્યું છે, કોઇ સમસ્યા સર્જાઇ નથી. રાંદેરમાં ચાલી રહેલા ધરણાં-પ્રદર્શનને યેનકેન પ્રકારે ડામી દેવાના ઈરાદાથી આયોજકો પર સતત સકંજો કસવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ સમક્ષ રજૂઆત કરવા ગયેલા મુસ્લિમ અને એસસી-એસટી-ઓબીસી સમાજના અગ્રણીઓ સામે અત્યંત હલકી કક્ષાની ભાષાનો પ્રયોગ કરીને મદદનીશ પોલીસ કમિશનર ડીએમ પટેલે હલકી માનસિકતાના દર્શન કરાવ્યા છે. દક્ષિણ પંથી વિચારધારા ધરાવતા હોય તે પ્રકારનું વર્તન કરીને પટેલે ખાખી વર્દીને લજવી છે જેના ઘેરા પ્રત્યાઘાત મુસ્લિમ-એસસી-એસટી સમાજમાં પડઘા છે.

ગૃહમંત્રી સહિત ટોચના અધિકારીઓ સમક્ષ પગલાં ભરવા માંગ

ધરણાં પ્રદર્શન ચાલુ રાખવા માટે રજૂઆત કરવા ગયેલા અગ્રણીઓને અપમાનજનક રીતે પાકિસ્તાની-બાંગ્લાદેશી કહીને અણછાજતુ વર્તન કરવામાં આવ્યું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહીને વૈદ્યાનિક ફરજ બજાવવામાં નિષ્ફળ નિવડેલા ડીએમ પટેલ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, ડીજીપી સહિત સુરતના પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યા છે તેમજ ઈ-મેલ કરવામાં આવ્યો હોવાનું અગ્રણીઓએ ગુજરાત ટુડેને જણાવ્યું હતું.

તમે કેમ પાકિસ્તાનીઓને
સાથ આપો છો…?

એસીપી સમક્ષ રજૂઆત કરવા ગયેલા અગ્રણીઓ પૈકી એસસી-એસટી-ઓબીસી સમાજના અગ્રણીઓને ડીએમ પટેલે જણાવ્યું હતું કે, સીએએ કે એનઆરસીમાં મુસ્લિમો સામે કાર્યવાહી થવાની છે તો તમારે આવા પાકિસ્તાનીઓને કેમ સપોર્ટ કરી રહ્યા છો. એસીપીની વાત સાંભળતા જ આગેવાનો ક્રોધિત થઈ ગયા હતા અને એસીપીને શાનમાં રહેવા ઈશારો કર્યો હતો. જો કે, ખાખી વર્દીના નશામાં ચૂર એસીપીએ તમામ અગ્રણીઓ સાથે અત્યંત હલકી કક્ષાનો વ્યવહાર કરીને પોતાના સંસ્કારના દર્શન કરાવ્યા હતા. અને રજૂઆત સાંભળ્યા વિના કચેરીથી બહાર નિકળી જવા ફરજ પાડી હતી.