ધોરાજી,તા.૧૯
દેશની અસંખ્ય નિર્ભયાના શીયળ લૂંટાઈ રહ્યા છે અથવા તો જોખમ ઊભું થયું છે. નલિયાની નિર્ભયાને ભાજપના ભુખ્યા વરૂઓ દિન દહાડે પીંખી રહ્યા હતા તેને ન્યાય મળ્યો નથી ત્યારે ભાજપ સરકારના શાસનમાં દેશભરમાં મહિલાઓની સલામતી સામે પ્રશ્નો ઊભા થયા છે. એમ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના કાર્યાલયની મુલાકાત વેળા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભાજપા સરકારને આડે હાથ લેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. ભાજપા સતાના મદમાં સંવિધાનનો ભંગ કરી રહ્યું છે. લોકશાહી મૃતપ્રાય બની તાનાશાહીનો જન્મ થયો છે.
પ્રવીણ તોગડિયાના આંદોલન વિશે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ઘરે ઘરેથી નાણા અને ઈંટો ઉઘરાવી અયોધ્યામાં રામમંદિરનું સ્વપ્ન દેખાડનારી ભાજપા સરકાર આજે રાજ્ય અને દેશમાં સ્પષ્ટ બહુમતી સાથે શાસનમાં હોવા છતાં અયોધ્યામાં રામમંદિર શા માટે ન બન્યું ? તે સામાન્ય માણસ સવાલ પૂછી રહ્યો છે. ડો. તોગડિયાએ ઈંટો અને રૂપિયા ઉઘરાવી રામમંદિર નિર્માણ માટે નરેન્દ્ર મોદીના ખોળે ધર્યા, રાજ્યમાં અને રાષ્ટ્રમાં ભાજપાની સરકાર બની પરંતુ મંદિર ન બન્યું. એટલે ઈંટો અને રૂપિયાનો હિસાબ લેવા આ આંદોલન કરાયું હતું.