અમદાવાદ, તા.ર૪
કોરોનાની મહામારીને લીધે લોકડાઉન નાખવામાં આવતા કરોડો લોકોના ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે જન વિરોધી ભાજપ સરકારે લોકોને રોજી રોટી પુરી પાડવા, રોજગારી આપવા અને આર્થિક સંકટ દૂર કરવાને બદલે રાત દિવસ ભારતીયોની પરસેવાની કમાણી લૂંટવામાં વ્યસ્ત છે. હાલ વિશ્વમાં કાચા તેલની કિંમત સૌથી નીચા સ્તરે છે તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો કરી નફાખોરી કરી લૂંટતંત્ર કરવામાં વ્યસ્ત છે આથી આ ભાવ-વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી દેખાવો પ્રદર્શન યોજાયા હતા. મોદી સરકારે તેના શાસનના ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર મોટો ટેક્ષ વધારીને દેશના ૧૩૦ કરોડ અને ગુજરાતનાં ૬ કરોડ નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે. પેટ્રોલ – ડીઝલમાં ૧૮ દિવસમાં ૧૮ વખત ભાવ વધારો ઝીંકનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજ દરેક ભારતીય કોરોના મહામારી સામે એકજૂથ થઈને લડી રહ્યો છે ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ દેશના નાગરીકોના ખિસ્સામાં રૂપિયા નાખવાનું તો દુર તેમના પાસેથી કેવી રીતે ખિસ્સા ખાલી કરવા હંમેશા તત્પર ભાજપ સરકારે ૧૮ દિવસમાં ૧૮ વખત પેટ્રોલ-ડીઝલમાં આકારો ભાવ વધારો એ પોતાની જનવિરોધી નીતિઓનું સર્ટીફીકેટ છે. વર્ષ ૨૦૧૪ના મેં માં પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂા.૭૧.૪૧ હતો જે આજે ૭૯.૯૬ પ્રતિ લીટર થયો છે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વર્ષ ૨૦૧૪ મેં મહિનામાં રૂ ૯.૨૦ પ્રતિ લીટર હતી જેમાં અધધ વધારા સાથે આજે રૂ. ૩૨.૯૮ પ્રતિ લીટર થયો છે બીજી બાજુ વર્ષ ૨૦૧૪ મેંમાં ક્રૂડ તેલનો ભાવ ૧૦૬.૮૫ ડોલર પ્રતિ બેરલ હતો જે આજે માત્ર ૩૮ ડોલર પ્રતિ બેરલ છે. તેમ છતાં આનો લાભ જનતાને આપવાને બદલે દેશના ૧૩૦ કરોડ નાગરીકોને લૂંટી ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે. જનવિરોધી ભાજપ સરકારે ૪ માર્ચ ૨૦૨૦ થી પેટ્રોલ ડીઝલમાં ૩ રૂપિયા ટેક્ષ વધારી દીધો. ત્યારબાદ મેં મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં ક્રમશ ૧૦ રૂપિયા અને ૧૩ જેટલો વધારો કરી માત્ર ૪૮ દિવસોમાં ભાજપ સરકારે ૧૬ રૂપિયા ડીઝલ પર અને ૧૩ રૂપિયા પેટ્રોલ પર વધારીને વાર્ષિક ૧,૬૦,૦૦૦ કરોડ નાગરીકો પાસેથી ઉઘાડી લૂંટ કેમ ? તેનો જવાબ ભાજપ આપે. આંતરરાષ્ટ્રીય કરન્સી એક્સચેન્જ દર મુજબ પાકિસ્તાનમાં “પેટ્રોલ”ના ભાવ રૂા. ૩૪.૪૪ પ્રતિ લિટરની સરખામણીએ ભારતમાં રૂા. ૭૯.૯૬ પ્રતિ લીટર છે ?