અમદાવાદ,તા.૨૪
ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ જતા યાત્રાળુઓ માટે સરકારે બુલેટપ્રુફ જેકેટ ફરજિયાત બનાવ્યું એ ભાજપ સરકારની અક્ષમતા દર્શાવે છે. ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર બહાર પાડી ટૂર ઓપરેટરો એ બસના ડ્રાઈવર, કંડકટર અને યાત્રાળુઓને બુલેટપ્રુફ જેકેટ આપવું. એવી એક શરત પરવાનગી માટે ફરજિયાત બનાવાઈ હોવાથી સરકારે યાત્રાળુઓને એક પ્રકારનો સંદેશો પાઠવી દીધો છે કે અમે આતંકવાદીઓને નહીં રોકી શકીએ, તમારે બચવું હોય તો બુલેટપ્રુફ જેકેટ પહેરજો એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતાએ જણાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે વધુમાં જણાવ્યું છે કે દર વખતે આતંકવાદીઓના માથા વાઢી લાવવાની વાતો કરવાવાળા હવે અમે આતંકવાદીઓને નહીં રોકી શકીએ એમ જણાવવા માગે છે. સ્વયંસેવકોને ચડ્ડીનો ગણવેશ પહેરાવ્યો એમ કાશ્મીરમાં યુનિફોર્મ સીવીલ કોડની વાતો કરી સત્તા મેળવનાર ભાજપ યાત્રાળુઓ માટે યુનિફોર્મ નક્કી કરી પોતાની અક્ષમતા દર્શાવી રહી છે. હોટલ તાજ પર હુમલો થયો એટલે ત્યાં જમવા-રહેવા બુલેટપ્રુફ જેકેટ પહેરીને જવાનું ? આ તે કેવો તર્ક ? સંસદ પર પણ હુમલો થયો હતો તો સંસદસભ્યો માટે બુલેટપ્રુફ પહેરવું ફરજિયાત કરવાના બદલે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી કેમ કે ત્યાં પોતાની જિંદગી સાચવવાની હતી. યાત્રાળુઓ મરે તો મરે ભાજપને શું ? ભાજપને તો આદત કોઈના જીવમાંથી પોતાનું રાજકીય સજીવન થવું. તેમણે વધુમાં જણાવ્યું કે ખરેખર હિંદુઓની રક્ષા જ કરવી હોય તો બુલેટપ્રુફ જેકેટ શું કામ ? બુલેટપ્રુફ બસ જ ફરજિયાત કરવી જોઈએ. મોદી સરકારે આ ખર્ચમાંથી બચવું હોય તો દરેક બસના છાપરેે બે બે સંઘના સ્વયંસેવકો ને લાકડી લઈને બેસાડી દેવા જોઈએ. મોહન ભાગવતના કહેવા મુજબ ભારતીય સેના કરતાં પણ વધારે સક્ષમ આ ચડ્ડીવીરો શાખામાં મળેલા લાઠીદાવના પ્રશિક્ષણને આધારે યાત્રાળુઓને બચાવવા પુરતા છે. જો સંઘ યાત્રાળુઓની સુરક્ષાની જવાબદારી લે તો ફાળો ઉઘરાવીને ચડ્ડી ઉપર મેચીંગ બુલેટપ્રુફ જેકેટ આપવાની જવાબદારી સમાજ ઉપાડી લેશે.
અમરનાથ યાત્રા અંગેનો પરિપત્ર આખરે રાજ્ય સરકારે રદ કર્યો
ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ૧૬ માર્ચ ર૦૧૮એ અમરનાથ યાત્રા સંદર્ભમાં કરાયેલો પરિપત્ર રાજય સરકારે રદ કરવાનો નિર્ણય કર્યો છે એમ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમણે આ પરિપત્રના અર્થઘટનને લઈને જે રાજકીય નિવેદનો પ્રતિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે તે અંગે કહ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાત સરકાર અમરનાથ યાત્રિકોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબધ્ધ છે. ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ જનારા સૌ યાત્રિકોને સરકાર સુરક્ષા સલામતી આપશે.
ભાજપ સરકારે યાત્રાળુઓને સંદેશો આપ્યો કે અમે આતંકવાદીઓને રોકવા સક્ષમ નથી

Recent Comments