(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.ર
ગુજરાતના જીડીપીમાં મહત્ત્વનું યોગદાન આપનાર ખેડૂતોને મજબૂત કરવાના બદલે ભાજપ સરકાર મજબૂર બનાવી રહી છે. હાલમાં જ રાજ્ય સરકારે કરેલા પરિપત્ર મુજબ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર માટે અરજદારે એક અરજી માટે રૂા.બે હજાર લેખે ફી જિલ્લા ઈ-ધરા ફંડમાં જમા કરાવવાનો જે હુકમ બહાર પાડ્યો છે, તે ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે. ખેડૂત તરીકેની ખરાઈ કરવા માટેના આદેશ બાદ ભાજપ સરકાર કુલ ૫૫૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખેડૂતોના ખિસ્સામાંથી વસૂલી લેશે.
ગુજરાતના જીડીપીમાં કૃષિક્ષેત્રનું યોગદાન ૧૫.૫ ટકા છે ત્યારે ખેડૂતોને મજબૂત કરવાને બદલે ભાજપા સરકાર એક પછી એક ખેડૂત, ખેતી અને ગામડાને તોડવાની યોજના આપી રહી હોવાના સરકારી પરિપત્રના આધાર સાથે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, ખેતી, ગામડા વિરોધી ભાજપા સરકારની નીતિને કારણે ખેડૂત મજબૂર અને ભાજપાના મળતિયા મજબૂત બની રહ્યા છે. ૫૪.૪૮ લાખ ખેડૂતોને સીધી અસરકર્તા તા.૩૧/૭/૨૦૨૦ના પરિપત્ર અન્વયે ‘ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર’ માટે અરજદારે ૧ અરજી માટે રૂા.૨૦૦૦ લેખે ફી સંબંધિત જિલ્લાના ‘જિલ્લા ઈ-ધરાફંડ’માં જમા કરાવવાની રહેશે એટલે કે, ખેડૂત તરીકેની ખરાઈ માટે ભાજપ સરકાર ૧૧૦ કરોડ રૂપિયા અને તેમના પરિવારના ભાઈ/બહેન પાંચ સભ્ય ગણીએ તો ૫૫૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખેડૂતોના ખિસ્સામાંથી વસૂલશે, આ કેટલે અંશે વ્યાજબી કહેવાય ? રાજ્યમાં ખેતીની આવક સતત ઘટી રહી છે અને બિયારણ, ખાતર, જંતુનાશક દવા સહિતના ખર્ચા સતત વધી રહ્યા છે. ત્યારે ખેડૂતોને સરકાર રાહત આપવાને બદલે ૫૫૦ કરોડ જેટલી માતબર રકમ વસૂલવા જઈ રહી છે. સરકાર દ્વારા તા.૧૦/૮/૨૦૨૦ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ પણ ખેડૂતો સામે છેતરપિંડી સમાન છે. સરકારે જાહેર કરેલ યોજના અન્વયે તા.૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ (માવઠું) થયું, જેમાં ૧૮ જેટલા તાલુકાના ખેડૂતો સીધો ભોગ બન્યા હોવાનું ખુદ સરકારે જણાવ્યું છે પણ, આજદિન સુધી સરકારે કમોસમી વરસાદ અન્વયે એક પણ તાલુકાના ખેડૂતોને કોઈ સહાય મળેલ નથી. જે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને ખૂલી પાડે છે. વર્ષ ૨૦૦૮ સુધી ગામ રેકર્ડ મેન્યુઅલ થતાં હતા એટલે કે તલાટી હસ્તક આ કામગીરી હતી. ૨૦૦૮ પછી ગામ નમૂનાઓ કોમ્પ્યુટર રાઈઝ થતાં ૭/૧૨ એટલે કે પાણીપત્રકની જવાબદારી સરકારની હોવી જોઈએ જેમ કે તલાટી/ગ્રામસેવક દ્વારા ખેડૂતના પાકનો સર્વે કરી ક્યા પાકનું વાવેતર કર્યું છે તેની નોંધ કોમ્પ્યુટર રેકર્ડમાં થવી જોઈએ તેના બદલે આ જવાબદારી ખેડૂતને સોંપી દેવામાં આવી છે. જેનાથી ખેડૂત તેઓએ વાવેતર કરેલ પાકની નોંધ ૭/૧૨માં કરવાનું ચૂકી જાય અને આવું સતત ત્રણ વર્ષ સુધી બને તો તેઓની જમીન સરકારી પડતર ગણી સરકાર હસ્તક લેવામાં આવે છે. આવા કિસ્સા, રાજ્યમાં બને છે જેથી રાજ્ય સરકારે ગંભીરતાથી આ કામગીરી નિશ્ચિત કરવી જોઈએ.