માંગરોળ,તા.૧૯
આજના યુગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે, મહિલાઓ અને બાલિકાઓ ઉપર બળાત્કાર કરી, હત્યાઓ કરવામાં આવી રહી છે છતાં ભાજપ સરકાર દોષિતોને છાવરે છે, એવા આક્ષેપો સાથે આજે એકતા પરિષદ દ્વારા માંગરોળના મામલતદાર એ.બી. કોળીને એક આવેદનપત્ર પેશ કરવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે કઠુઆ (કાશ્મીર) ઉન્નાવ (કે.પી.), સુરત તથા રાજકોટ (ગુજરાત)માં બળાત્કાર અને ત્યારબાદ હત્યાનાં બનાવો બન્યા છે આ ઘટનાથી સમગ્ર દેશની જનતા હચમચી ઉઠી છે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. કેન્ડલ માર્ચ, મૌનરેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. શિક્ષિતો પૂછી રહ્યા છે કે સરકાર શું કરે છે ? સંસ્કાર-સંસ્કૃતિ અભ્યાસ, નીતિમત્તા, બેટી બચાવો, બેટી પઢાવો જેવી વાતો કરતી સરકાર આ પ્રશ્ને કેમ મૌન સેવી રહી છે ઉન્નાવ કેસમાં શાસક પક્ષના મંત્રી જ સંડોવાયા હોવાનું બહાર આવ્યું છે. ધરપકડના વિરોધમાં રેલીઓ નીકળે અને આ રેલીઓમાં ભાજપના મંત્રીઓ અને હોદ્દેદારો હાજરી આપે એ કેટલી શર્મનાક વાત છે. પીડિતાના પિતાનું મોત નીપજે ગામ છોડી ચાલ્યા જવાની ધમકીઓ મળે ત્યારે એ રાજમાં પ્રજાની સલામતીની ખાત્રી શું ? કાશ્મીરના કઠુઆની ઘટનાએ પ્રજાનું હૈયુ હચમચાવી નાંખ્યું છે. કેન્દ્રમાં અને દેશમાં મોટા ભાગનાં રાજયોમાં ભાજપનું શાસન છે, સરકાર પ્રજાને સલામતી આપી શકતી નથી. ભ્રષ્ટાચાર વકર્યો છે. એટીએમમાં નાણાં નથી આમ આ શાસનમાં બધુ જ ખાડે ગયું હોય એમ લાગે છે અંતમાં જણાવાયું છે કે દલિત આદિવાસીઓ બી.સી. માઈનોરિટી એકતા પરિષદની માગ છે કે અત્યાચારો બંધ થાય એવા પગલાં લેવામાં આવે અત્યાચારીઓ બળાત્કારીઓ સામે શખ્ત પગલાં લેવામાં આવે અને આકરામાં આકરી મૃત્યુદંડ સુધીની સજા કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. આ પ્રસંગે સુરેશભાઈ વસવાા, મકસુદ માંજરા (લાલ), જયચંદ વસાવા, સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા.