• નાદુરસ્ત તબિયતના પગલે મતવિસ્તારમાં ન્યાય ન આપી શકવાને કારણે રાજીનામું આપ્યું : મનસુખ વસાવા
• આદિવાસી સમાજમાં વધી રહેલા અસંતોષને પગલે પાર્ટી કક્ષાએથી પણ આ તિકડમ કરાયું હોવાની ચર્ચા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,ભરૂચ, તા.૨૯
નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોને કેન્દ્ર સરકાર દ્વારા ઈકો સેન્સિટીવ ઝોન જાહેર કરાયા બાદ આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. જેમાં દસ દિવસ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરનાર સાંસદ મનસુખ વસાવાએ આજરોજ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે. રાજીનામું આપ્યા બાદ મોડી સાંજે મીડિયાને સંબોધતાં સાંસદ મનસુખ વસાવા એ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે મતવિસ્તારમાં ન્યાય ન આપી શકવાના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ૧૨૧જેટલા ગામોને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઇકો સેન્સિટીવ ઝોનમાં જાહેર કરતા આ મુદ્દે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા પામ્યા છે. અગાઉ ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઈકો સેન્સીટીવ ઝોનનું જાહેરનામું તેમજ અભ્યારણ કાયદો તાત્કાલિક અસરથી રદ કરવા ભલામણ કરી હતી. જોકે આદિવાસી સમાજમાં વધી રહેલા આક્રોશ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ પ્રેશર ટેકનિક અપનાવતા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ને પત્ર પાઠવી પક્ષમાંથી રાજીનામું આપવા સાથે આગામી બજેટ સત્ર દરમિયાન લોકસભાના સ્પીકરને પણ સાંસદ પદેથી રાજીનામું આપવા તત્પરતા દર્શાવી હતી. સદર પત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જિલ્લા ભરમાં ફરતો થતાં રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે સાંસદ મનસુખ વસાવા રાજીનામાનું બોમ્બ ફોડી ભૂગર્ભમાં ઉતરી જતા મીડિયા સાથે તેમનો દિવસ દરમિયાન સંપર્ક થઈ શકવા પામ્યો ન હતો. મોડી સાંજે તેઓએ મીડિયાને સંબોધતાં પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ભરૂચ લોકસભા ક્ષેત્રમાં ન્યાય આપી શકે તેમ ન હોય જેથી કરીને રાજીનામું આપ્યું હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. ઉપરાંત પોતાનું રાજીનામું પરત નહીં ખેંચે તેમ પણ જણાવ્યું હતું. ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે સરકાર તેને ઉકેલવા માટે કટિબદ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર હોય, આદિવાસીઓના હકની વાત હોય કે ઈકો સેન્સિટીવ ઝોનની વાત હોય, છેલ્લા છ વર્ષથી પોતાની પાર્ટીમાં જ આંતરિક અસંતોષની લાગણી વ્યક્ત કરી છાશવારે એ બળાપો કાઢતા સાંસદ મનસુખ વસાવા માત્ર પ્રેશર ટેકનિક અપનાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પોતે હંમેશાં ચર્ચામાં રહેવા રાજીનામું આપવાનું તરકટ કર્યું હોવાનું ભરૂચની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાક સોશિયલ મીડિયાના માધ્યમોમાં ભરૂચની પ્રજાએ સાંસદ મનસુખ વસાવા તમે અંતે રાજીનામું આપશો તો ક્યારે ? તેવા વેધક પ્રશ્નો કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં નગરપાલિકાઓ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય આદિવાસી સમાજમાં વધી રહેલા અસંતોષને પગલે પાર્ટી કક્ષાએથી પણ આ તિકડમ કરાયું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

સાંસદ મનસુખ વસાવાએ શું લખ્યું રાજીનામા પત્રમાં ?

મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી જણાવ્યું કે “ભાજપે મને ઘણું આપ્યું છે, કેન્દ્રીય નેતાગીરીનો હું આભાર માનું છું. મેં પક્ષ માટે વફાદારી રાખી છે, પક્ષના મૂલ્યો જીવનના મૂલ્યો પણ અમલમાં મૂક્યા છે. હું એક માનવી છું, મારી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય છે, મારી ભૂલના કારણે પક્ષને નુકશાન પહોંચે એ કારણોસર હું પક્ષમાંથી રાજીનાનું આપું છું. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ લોકસભા સ્પીકરને રૂબરૂ મળી રાજીનામુ આપીશ.”

મનસુખભાઈ અમારા સાંસદ છે તેનું અમને ગૌરવ : પાટીલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મનસુખ વસાવાના રાજીનામા અંગે કહ્યું કે મનસુખ વસાવા અમારા સિનિયર સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસુખ વસાવા લાગણીશીલ માણસ છે. લોકો માટે લડવાની પોતાની ફરજ સમજે છે, તેમાં તેઓ ખુબ સારું કામ કરતા રહેશે. અમારા માટે ગૌરવ છે કે મનસુખભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂઆત મુદ્દે આજે હું મુખ્યમંત્રીને મળ્યો હતો. જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરવામાં આવશે.