(એજન્સી) જયપુર, તા.૧૪
રાજસ્થાનની સ્થાનિક ચૂંટણીઓમાં શાસક કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. ૧૨ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસને વધુ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં કુલ ૫૯૫ અપક્ષોનો વિજય થયો હતો અને હવે તેમાંથી ઘણાં ઉમેદવારોએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને ત્રીજા ક્રમે ધકેલવામાં સફળ રહી હતી. ચૂંટણી પરિણામોએ એવું દર્શાવ્યું હતું કે, સ્થાનિક લોકો અશોક ગેહલોતની સરકારના કામથી ખુશ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને કોંગ્રેેસને ૬૨૦ વોર્ડમાં જીત મળી હતી. જ્યારે ભાજપનો ૫૪૮, બહુજન સમાજ પાર્ટીનો સાત, ભાકપાનો બે, માકપાનો બે, આરએલપીનો એક વોર્ડમાં વિજય થયો હતો. કુલ ૫૯૫ અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી. આ વિજય બદલ ખુશી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે, હું તમામ ઉમેદવારોને દિલથી શભેચ્છા પાઠવું છું. જેઓનો મ્યુન્સિપાલિટિ અને મ્યુન્સિપલ કાઉન્સિલમાં વિજય થયો છે. આ ચૂંટણી પરિણામો બદલ હું મતદારોનો પણ આભાર વ્યક્ત કરૂં છું, કેમ કે, તેમણે અમારી સરકારમાં વિશ્વાસ બતાવ્યો. હું પાર્ટીના તમામ કાર્યકરોનો પણ આભાર માનું છું. જેમની મહેનતના કારણે જ આ પરિણામો આવી શકયા છે. આ ચૂંટણીણાં ભાજપને આઠ ટકા મતો મળ્યા હતા, જે કેસરિયા બ્રિગેડ માટે ચિંતાજનક બાબત છે, એમ એક અહેવાલમાં જણાવાયું હતું.