(સંવાદદાતા દ્વારા)
પાલનપુર, તા.ર૮
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજરોજ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. સૌ પ્રથમ અંબાજી ખાતે મંદિરના દર્શન કરી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ દાંતા ખાતે કાર્યકરોને મળી પાલનપુર આવી પહોંચ્યા હતા. પાલનપુર જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે કાર્યકરો દ્વારા હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કયારે તૂટી નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું કામ કરતી આવી છે. પાર્ટીમાં એવા કપાતર દીકરાઓ ઘણીવાર આવી જતા હોય છે. જેમાંથી કોઈ તૂટી ફૂટી જતાં હોય છે. પાર્ટીને નુકશાન કરી જતા હોય છે.જોકે, હવે જે જશે એને એ વિસ્તારની જનતા એના ઘરે જઈ હલ્લાબોલ પણ કરશે અને જવાબ પણ માગશે. મને જે જવાબદારી આપવામાં આવી છે તે મોટી છે. તે જવાબદારી હું નીભાવિશ. અત્યારે રાજ્યનો મોટા ભાગનો વર્ગને ખૂબ અન્યાય થઈ રહ્યો છે. તેમને કઈ રીતે ન્યાય મળે, રાજ્યના છેવાડાના વિસ્તારમાં રસ્તા સહિતની સુવિધાઓ મળે તે દિશામાં અમે કામ કરીશું અને આગામી સમયમાં આવનારી પેટા ચૂંટણીમાં કૉંગ્રેસ તમામ આઠ બેઠકો જાળવી રાખશે. પ્રજાજનો પક્ષ પલટુઓને જવાબ આપશે. જો કે કોંગ્રેસના ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. સ્વાગતમાં કાર્યકરોએ કોઈ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. ટોળે વળી કાર્યકરો સ્વાગત કરતા જોવા મળ્યા હતા.