ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ બેઠકમાં સામેલ : જો કે, રોષ હજુ શમ્યો નથી !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧પ
રાજ્યના નવા મુખ્યમંત્રીએ પદ સંભાળ્યાના ચોવીસ કલાકમાં જ ટોચના નેતાઓનો રોષ સપાટી પર આવ્યો છે. નારાજ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ થાય છે. ત્યારે તેમની નારાજગીને શાંત કરવા માટે, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણેય નેતાઓના રોષને શાંત કરવા માટે ત્રણ કલાક કામ કરવું પડ્યું હોવાની વિગતો ખાસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. બપોરે ૨ઃ૩૦ પછી બે રાષ્ટ્રીય સંગઠનોના નેતાઓ મુખ્યમંત્રી બંગલે પહોંચ્યા હતા જ્યાં તેઓએ સૌ પ્રથમ રૂપાણી સાથે બે કલાક ચર્ચા કરી, તે દરમિયાન નીતિન પટેલ-ચૂડાસમાને પણ અહીં બોલાવવામાં આવ્યા હતા અને બીજા દોઢ કલાક સુધી બી.એલ. સંતોષ અને ભૂપેન્દ્ર યાદવે કેન્દ્રીય નેતૃત્વનો સંદેશ આપીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નેતાઓનો રોષ હજુ પણ શમ્યો નથી. ત્યારે આ બેઠકમાં પૂર્વમંત્રી કૌશિક પટેલ અને પુરૂષોત્તમ સોલંકી પણ હાજર રહ્યા હતા. જો કે, તેઓ સંતોષ કે યાદવ બંને નેતાઓ મળ્યા ન હતા, તેઓએ રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર ન હતા મતલબ કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નવા મંત્રીમંડળની રચના અંગે ત્રણેય નેતાઓનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો હોવાના સંકેતો અપાઈ રહ્યા હોય તેમ જણાય છે. જો કે, નેતાઓને ખાતરી આપવામાં આવી છે કે, આગામી ચૂંટણીમાં તેમની સલાહ પર ધ્યાન આપવામાં આવશે, તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.