(સંવાદદાતા દ્વારા) સુરત તા.૪
સુરતના ભાટિયા ટોલનાકા પર પણ સુરત શહેર અને જીલ્લાના વાહનોને સંપૂર્ણપણે ટોલમુક્તિ માટે ગામે – ગામ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન બુધવારે ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક વાહનોને ટોલ નહીં ભરવા જાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે. ભાટિયા ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ઉઘરાવવામાં આવતા ટોલ મુદ્દે કલેકટર, પોલીસ કમિશનર અને હાઇવે ઓથોરિટીને આવેદન આપ્યા બાદ મંગળવારે મેયર ડો.જગદીશ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતી પટેલને ટોલટેક્સમાં સંપૂર્ણપણે મુક્તિ આપવા માટે ગુલાબનું ફૂલ , પત્રિકા અને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. મેયરે લોકહિતના પ્રશ્ન બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજુઆત કરવાની ખાત્રી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતી પટેલ દ્વારા પણ પ્રજાના હિત માટે જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં રજુઆત કરીશું એવો પ્રતિસાદ આપ્યો હતો. બુધવારે ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા એમટીબી કોલેજમાં વિદ્યાર્થીઓને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સ્થાનિક વાહનોને ટોલ નહીં ભરવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અઠવાલાઈન્સ વિસ્તારમાં વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. ૨૨ દિવસથી વધુ સમયથી ટોલમુક્તિ માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.