(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિએ આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ટેક્સ મુક્તિ માટે રજૂઆત કરી હતી તેમજ વિવિધ સંસ્થા, પંચાયતો, ઉદ્યોગપતિ સહિતના લોકોએ લડતને આપેલા સમર્થનપત્રો પણ કલેક્ટરને સુપરત કરવામાં આવ્યા હતા.
કામરેજ ટોલનાકા ઉપર જીજે-૧૯-જીજે-૫ના વાહનોને ટેક્સ મુક્તિ અપાવનાર સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકની આગેવાની હેઠળ બિન રાજકીય રીતે ભાટીયા ટોલનાકા ઉપર ટેક્સ મુક્તિ માટેનાં આંદોલનનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા વીસ દિવસથી સંઘર્ષ સમિતિની આગેવાનો ગામે ગામ જનસંપર્ક બેઠકો યોજી ભાટીયા ટોલનાકા ઉપર સ્થાનિક વાહનોને ટેક્સ મુક્તિ માટે વ્યાપક જન સમર્થન મેળવ્યું હતું. તેમજ લોકજાગૃતિ માટે પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લા પંચાયતના સભ્ય અને સંઘર્ષ સમિતિની આગેવાન દર્શન નાયકના જણાવ્યા મુજબ આજે બપોરે એક વાગે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે કલેક્ટ્રાલય ખાતે આગેવાનો એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
સંઘર્ષ સમિતિએ કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ભાટીયા ખાતે આવેલ ટોલબુથ વિરૂદ્ધ ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ છેલ્લા એક મહિનાથી આંદોલન ચલાવી રહેલ છે. જેને સુરત શહેર અને જિલ્લાના સ્થાનિક લોકો, ખેડૂતો, રોડ વપરાશકારો, સામાજિક સંસ્થાઓ, સંગઠનો, એસોસિએશનો, પંચાયતો, સહકારી મંડળીઓ, ઉદ્યોગગૃહો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ટેકો અને સંપૂર્ણ સમર્થન આપેલ છે. અત્યાર સુધી આ ટોલ મુક્તિ આંદોલન હેઠળ સમિતિ ારા ૫૦૦થી વધુ રજૂઆતો સરકારમાં મોકલી આપવામાં આવેલ છે.
વધુમાં દર્શન નાયકના જણાવ્યા મુજબ ટોલનાકાના સંચાલકોએ માત્ર ટોલ ટેક્સ ઉઘરાવવામાં રસ છે. સર્વિસ રોડ પણ બનાવતા નથી. આજે કલેક્ટરને અલ્ટીમેટમ અપાયા બાદ પણ સ્થાનિક વાહનોને ટેક્સ મુક્તિ નહીં આપવામાં આવશે તો ભાટીયા ટોલનાકા ઉપર ચક્કાજામની ચીમકી પણ સંઘર્ષ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.