ભાટિયા, તા.૪
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભાટિયા પંથકમાં વરસોથી લાંચિયા અધિકારીઓ સાથેની મીલીભગતના કારણે ખાણમાફિયાઓ દ્વારા બેફામપણે બોક્સાઈટ, રેતી, બેલા, લાઈમ સ્ટોનની ખનીજ ચોરીનો કાળો કારોબાર ચાલતો હતો, પરંતુ ખંભાળિયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે આ ગેરકાયદે ગોરખ ધંધાની સામે જંગ છેડતા લાંચિયા અધિકારીઓ અને ખનીજચોરો- ખાણમાફિયાઓ ભોંભીતર થઈ ગયા છે અને પરિણામ સ્વરૂપે ખનિજ ચોરી પર મહદ્‌અંશે લગામ લાગી ગઈ છે.
ખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે, ભ્રષ્ટ સરકારી બાબુઓની મિલીભગત ખુલ્લી પાડવા મક્કમ છું. આગામી દિવસોમાં જનતા રેઈડો પાડીને આ ગોરખ ધંધાને સંપૂર્ણ બંધ કરાવી દઈશ. ખનીજચોરો મોટાભાગે વ્હેલી સવારે કે મધ્ય રાત્રિએ જ માલની હેરાફેરી કરતા હોય, રાત્રિના સમયે કડક ચેકીંગની વ્યવસ્થા ગોઠવી ટ્રકો ઝડપી લેવા માટે પણ પ્રયત્નો ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત પગારની આવક કરતા અનેકગણી સંપત્તિ ધરાવતા ભ્રષ્ટાચારી અધિકારીઓને ત્યાં એસીબીની તપાસ પણ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે અને લાંચિયા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા માટે કોઈ કચાશ છોડવામાં આવશે નહીં. તેમણે સંતોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, જનતા રેઈડ અને તપાસ અંગેની ધાકથી છેલ્લા થોડા સમયમાં જ ખનીજ ચોરી અટકી છે અને હવે આ લાંચિયા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ખનીજ ચોરો અને ખાણમાફિયાઓ ઉચ્ચ સ્તરે ગોઠવણ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે.