(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
અમદાવાદ નજીક આવેલા રીંગરોડ પર ભાડજ નજીક આજે વહેલી સવારે પાંચ વાગ્યે પૂરઝડપે જતી એક ફોક્સ વેગન કાર કપચી ભરી જઈ રહેલી ટ્રકમાં ઘૂસી જતાં કારમાં આગ ફાટી નીકળી હતી. આથી કારમાં સવાર પાંચ યુવાનો પૈકી ત્રણ ગંભીર રીતે દાઝી જતાં સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જ્યારે બે યુવાનો ગંભીર રીતે દાઝી જતા તેમને તત્કાળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક યુવાનોમાં એક મહેસૂલમંત્રી કૌશિક પટેલના વેવાઈના પુત્ર અને બીજો કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વિગત એવી છે કે, વૈષ્ણોદેવી સર્કલથી ભાડજ સર્કલ તરફના રિંગરોડ પર પૂરપાટ ઝડપે ફોક્સવેગન કાર આવી રહી હતી ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યે બેબીલોન કલબ પાસે કપચી ભરેલી એક ટ્રક સાથે કાર જોરદાર ધડાકા સાથે અથડાઇ હતી. કાર અથડાવાની સાથે જ તેમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. બીજીબાજુ, કારનું સેન્ટ્રલ લોક પણ જામ થઇ ગયું હતું. કારમાં લાગેલી આગમાં અંદર બેઠેલા પાંચેય યુવકો આગની જવાળાઓમાં લપટાઇ ગયા હતા. જેમાં રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિક પટેલના વેવાઇના પુત્ર ધૈર્ય પટેલ, કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા રાહુલ બારડ અને અન્ય યુવક રોમીલ પટવા બળીને ભડથું થઇ ગયા હતા, જ્યારે મોહનસિંહ અને પાર્થ નામના બે યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો બહુ મોડુ થઇ ચૂકયું હતું. ત્રણ યુવકો તો કારમાં લાગેલી આગમાં જ ભડથું થઇ ગયા હતા. જો કે, દાઝી ગયેલા બે યુવકોને તાત્કાલિક ૧૦૮ બોલાવી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજીબાજુ, અકસ્માત બાદ કારમાં લાગેલી આગમાં ત્રણ યુવકો ભડથું થઇ ગયાના સમાચાર જાણી સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. મૃતક યુવકો પૈકી બે યુવકો તો રાજકીય પક્ષના મોટા નેતાઓના પરિવાર સાથે જોડાયેલા હોવાથી રાજકીય વર્તુળમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન આ સમગ્ર બનાવ અંગે ટ્રાફિક એ ડિવીઝન પોલીસે જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રકનો ચાલક ફરાર થઇ ગયો હોઇ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ સમગ્ર અકસ્માતમાં સૌથી ચર્ચા જગાવી હોય અને અનેક સવાલો ઉભા કર્યા હોય તો, કારમાં લાગેલી આગને લઇ સર્જાયા છે કારણ કે, કારમાં આગ લાગી કેવી રીતે અને આગ લાગી તો, યુવકો કારમાંથી બહાર કેમ નીકળી ના શકયા ? દુર્ઘટના બાદ યુવકો એટલી ગંભીર ઇજા અને ભાન ગુમાવી ચૂકયા હતા કે આગમાં ભડથુ થઇ ગયા ત્યાં સુધી કારમાંથી બહાર નીકળી ના શકયા? સહિતના અનેક સવાલો અને વાતો રહસ્યમય બની રહી છે. ખુદ પોલીસ પણ ભારે આશ્ચર્ય સાથે મૂંઝવણમાં મૂકાઇ છે, તેથી આ સમગ્ર મામલામાં એફએસએલની મદદ લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.