(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૫
જામનગર કોંગ્રેસના નામથી ફેસબુક પર ચલાવાતા એક એકાઉન્ટમાં ભાનુશાળી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવી થયેલી એક પોસ્ટના પગલે આજે ગુજરાત પ્રદેશમંત્રી સહિતના જામનગર કોંગ્રેસના આગેવાનોએ ભાનુશાળી સમાજ સાથે બેઠક યોજી આ બાબતની પોલીસમાં અરજી પાઠવવાની તત્પરતા દર્શાવી છે. તાજેતરમાં ફેસબુક પર ભાનુશાળી સમાજની લાગણીને ઠેસ પહોંચે તે પ્રકારની એક પોસ્ટ જોવા મળી હતી. જામનગર કોંગ્રેસના નામથી ચલાવાતા આ એકાઉન્ટમાં જયંત ભાનુશાળીને અનુલક્ષીને કરવામાં આવેલી કોમેન્ટના પગલે ભાનુશાળી સમાજની લાગણી દુભાઈ હતી જેનો ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો છે તે દરમિયાન આજે સવારે જામનગરના હાલારી ભાનુશાળી સમાજના આગેવાનો ઉપરાંત કચ્છી ભાનુશાળી સમાજ અને સિંધી ભાનુશાળી સમાજના આગેવાનો સાથે રાજ્યના કોંગ્રેસ પ્રદેશ મંત્રી યુસુફભાઈ ખફી સહિતના કોંગ્રેસી આગેવાનોએ બેઠક યોજી હતી. જેમાં ઉપરોક્ત ફેસબુક એકાઉન્ટ કોંગ્રેસનું નહીં હોવાની વિગતો જાહેર કરવામાં આવી હતી અને પ્રદેશમંત્રીએ આ પ્રકારની કોઈપણ કોમેન્ટ કોંગ્રેસ પક્ષ દ્વારા કે કોંગ્રેસ પક્ષના સોશિયલ મીડિયામાં રહેલા કોઈપણ એકાઉન્ટ પરથી કરવામાં નથી આવી તેમ જણાવવામાં આવ્યું છે ત્યાર પછી ત્રણેય સમાજના આગેવાનો સાથે આ બાબતની વિધિવત અરજી-ફરિયાદ કરવા માટે પ્રદેશમંત્રી યુસુફભાઈ ખફી, જામનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રાજેશ અજુડિયા સહિતના આગેવાનો શહેરના એએસપી ઉમેશ પટેલની કચેરીએ પહોંચ્યા હતા.