પાલનપુર, તા.ર૪
ભાભરમાં ચાર દિવસ અગાઉ થયેલી રૂા.૧૯.૨૫ લાખની દિલધડક લૂંટનો ભેદ પોલીસે બુધવારે ઉકેલ્યો હતો. આ લૂંટને અંજામ આપનારા બે સગીર સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ લૂંટમાં ગયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
ભાભરમાં ચાર દિવસ અગાઉ બનેલી લૂંટની ઘટના એવી હતી કે, ભાભર સોનીબજારમાં દુકાન ધરાવતાં સગાળચંદ ધારસીભાઇ ઠક્કર તા.૨૧ એપ્રિલના રોજ પોતાની દુકાનેથી ઘરે ચાલતા જતા હતા. ત્યારે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે રૂા.૧૯,૨૫,૦૦૦ના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ અંગે વેપારીએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળની સૂચનાથી ભાભર પીએસઆઇ એ. એસ. રબારી, પ્રો.પીએસઆઇ સી. ટી. દેસાઇ, પો.કો. સંજયસિંહ, રમેશભાઇ, પ્રધાનજી, અશોકભાઇ, ભરતભાઇ, રમેશભાઇ અને હે.કો. કલંદરખાને સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં મળેલી બાતમીના આધારે આ લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે લૂંટને અંજામ આપનારા નવા ભાભરના વાસુભા મેરૂભા રાઠોડ અને મુકેશભાઇ મગનજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે બંને આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.૧૮,૨૮,૪૫૦ના સોનાના-દાગીના રૂા.૩૨,૭૨૩ના ચાંદીના-દાગીના, રોકડા રૂા.૭૦,૪૦૦ તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું રૂા.૮૦,૦૦૦નું બાઇક મળી કુલ રૂા.૨૦,૧૧,૫૭૩નો મુદ્દામાલ રિકવર કરાયો હતો.
ભાભર પંથકમાં અગાઉ પણ લૂંટની ઘટનાઓ બની છે. આ અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાયેલી છે. ત્યારે પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરી લૂંટના ભેદ ઉકેલવામાં આવે તેવી પ્રજા માંગ ઉઠવા પામી છે.