કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કોરોનાથી સાજા થવા ભાભીજીના પાપડ ખાવાની સલાહ આપી હતી અને ભાભીજીના પાપડને એન્ટીબોડી વિકસિત કરવા સાથે જોડ્યા હતા
તમે અચાનક લોકડાઉન લાદી દીધું અને પછી દાવો કરો છો કે ૨૯ લાખ વધુ કેસો થતા અટકાવ્યા, તમારી પાસે આ સર્વે છે પણ મોતને ભેટેલા પ્રવાસી શ્રમિકોનો આંકડો નથી : આનંદ શર્મા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
કોરોના વાયરસ સંક્રમણ સામે લડવા માટે ભાભીજીના પાપડને પ્રોત્સાહન આપનાવા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પર વ્યંગ કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રોગચાળાને અંકુશમાં લેવા માટે મહારાષ્ટ્ર સરકારે સારી કામગીરી કરી છે અને અહીં કોઇપણ ભાભીજીના પાપડ ખાઇને સાજા નથી થયા. જુલાઇ માસમાં ભાભીજીના પાપડને પ્રોત્સાહન આપીને દાવો કર્યો હતો કે, પાપડમાંથી એવા ઘટકો મળે છે જે કોરોના વાયરસ વિરૂદ્ધ એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ થાય છે.
મેઘવાલ પર પ્રહાર કરતા રાઉતે કહ્યું કે, સંક્રમણને મહારાષ્ટ્ર સરકારે સક્રીય રીતે અંકુશમાં લીધું છે અને તે માટે ધારાવી શ્રેષ્ઠ ઉદાહરણ છે જે દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. ઘણા મંત્રીઓ પણ સંક્રમિત થયા જેમાં પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું મૃત્યુ થયું. આ મુદ્દે કોઇ આરોપોની રમત ના થવી જોઇએ અને આપણે સાથે મળીનેઆ રોગચાળા સામે લડવું જોઇએ. દેશમાં કોરોના વાયરસનીસ્થિતિ અંગે થઇ રહેલી ચર્ચામાં ભાગ લેતાં એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે, રાજ્યને ખોટી રીતે નિશાન બનાવાય છે અને આ સમય સાથે મળીને લડવાનો છે. ભાજપના સાંસદ વિજય સહસ્ત્રબુદ્ધેએ કોરોના મુદ્દે મહારાષ્ટ્ર સરકારની ટીકા કર્યા બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડી હતી. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ આ અંગે સ્વાસ્થ્ય મંત્રીના નિવેદનની માગણી કરી હતી. આનંદ શર્માએ અચાનક લોકડાઉન લાદવા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પછી સરકાર દાવો કરે છે કે, આના કારણે કોરોનાના ૧૪થી ૨૯ લાખ કેસો થતા અટકાવાયા છે. સ્વાસ્થ્ય મંત્રીએ એક દિવસ પહેલા જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે દેશમાં ૧૪થી ૨૯ લાખ કેસો અટકાયાવા છે સાથે જ ૩૭થી ૩૮ હજાર વધુ મોત થતા અટકાવાયા છે. શર્માએ કહ્યું કે, પ્રવાસી શ્રમિકો માટેનો કોઇ ડેટા સરકાર પાસે કેમ નથી. શહેરોમાં શ્રમિકો માટે ક્વોરન્ટાઇન સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હોત તો આટલી મોટી સંખ્યામાં પલાયન અટક્યું હોત. આ બેદરકારીને કારણે દેશના ગામડાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.