(એજન્સી) તા.૬
જેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આગાહી કરાઇ હતી તેમ કોરોના વાઇરસની માહામારીના કારણે સર્જાયેલી માંગ અને પુરવઠાની અભૂતપૂર્વ ખાઇના પગલે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ભારતનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી) ૪.૫ ટકા જેટલું ઘટી જશે એમ કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં એકરાર કરવામાં આવ્યો હતો.
કોરોના વાઇરસની રસીની ગેરહાજરીના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાના કારણે દેશના અર્થતંત્ર સામે ગંભીર પ્રકારના પડકારો ઊભા થયા છે એમ આર્થિક બાબતોના વિભાગે પણ કબૂલાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૨ જાહેર કરાયું તેના થોડા દિવસો બાદ જ નાણાં મંત્રાલયે તેનો જૂન મહિનાનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા ગત માર્ચ મહિનામાં લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે દેશના ૯૦ ટકા ધંધા, રોજગાર, વેપાર અને ઉદ્યોગો સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયા હતા. જેના કારણે રાષ્ટ્રીય ઉત્પાદન બંધ થઇ ગયું હતું, અને લોકોની આવકની સાથે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની સરકારોની મહેસુલી આવકો પણ સદંતર બંધ થઇ ગઇ હતી. લોકડાઉનના કારણે હજારો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવતા દેશમાં અભૂતપૂર્વ આર્થિક બેહાલી સર્જાઇ હતી.
અલબત્ત અનલોક-૧ અને ૨ બાદ દેશના અર્થતંત્રની ગાડી ધીમે ધીમે પાટે ચઢવાની શરૂ થઇ ગઇ છે પરંતુ વેગ પકડતા તેને હજુ ઘણી વાર લાગશે. કેન્દ્ર સરકારે પણ ઊંડી ખાઇમાં ધકેલાઇ ગયેલા અર્થતંત્રને ફરીથી બેઠું કરવા અનેક પગલાં લીધા હતા.
કોરોના વાઇરસની મહામારી ફેલાઇ તે પહેલાંથી જ દેશનું અર્થતંત્ર માંદગીના બિછાને હતું જેને ફરીથી બેઠું કરવા રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારે લાંબી મુદતના અને ટૂંકી મુદતના એમ બંને પ્રકારના ઘણા નીતિવિષયક પગલાં જાહેર કર્યા હતા. સરકાર દ્વારા કરાયેલા માળખાગત સુધારાના કારણે અને સામાજિક કલ્યાણ માટે જાહેર કરાયેલી શ્રેણીબદ્ધ યોજનાઓના કારણે અર્થતંત્ર ફરીથી બેઠું થઇ જશે એમ નાણાં મંત્રાલયના રિપોર્ટમાં આશાવાદ વ્યક્ત કરાયો હતો.
કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારતના પેકેજના કારણે તમામ સુધારાઓને એવા સમયે વેગ મળશે જ્યારે કેન્દ્ર સરકાર પોતે નાણાંકીય ભીંસ અનુભવી રહી છે અને લોકકલ્યાણની યોજનાઓ પાછળ સરકાર દ્વારા થતાં ખર્ચાઓમાં એક મોટો અવરોધ ઊભો થયો છે, કેમ કે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન અત્યાર સુધીની સરકારની મહેસૂલી આવકમાં પણ ૬૮.૯ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે એમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.
ગત માર્ચમાં કોવિડ-૧૯ની મહામારીએ તેના પગ ફેલાવવાના શરૂ કર્યા તે સાથે જ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને આગામી મહિનાઓમાં ભયાનક આર્થિક બેહાલી સર્જાશે એવો અંદાજ આવી ગયો હતો. તેથી સરકારે તેની નીતિઓને પણ લોકલ્યાણલક્ષી બનાવી દીધી હતી એમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.