કોરોના વાયરસના પગલે લાગુ કરવામાં આવેલ કઠોર લોકડાઉનના પરિણામે આવક અને આજીવિકા ગુમાવી દેતાં ભારતના ઉપેક્ષિત અને વંચિત સમુદાયોને નવેસરથી લોન લેવાની ફરજ પડી છે : ૧૧ રાજ્યોમાં હાથ ધરાયેલા સર્વેક્ષણના ચોંકાવનારા તારણો
કોવિડ-૧૯ મહામારીના પગલે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન દેશમાં લાખો લોકોએ આજીવિકા અને ખાદ્ય સુરક્ષા ગુમાવી છે ત્યારે ૧૧ રાજ્યોમાં લગભગ ૧ લાખ પરિવારોને આવરી લઇને હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે લોકડાઉનના કારણે ઉપેક્ષિતો, વંચિતો અને લઘુમતી સમુદાયોને સૌથી વધુ ભોગવવાનો વારો આવ્યો છે.
દલિતો, મુસ્લિમો, આદિવાસીઓ, વિચરતી અને વિમુક્ત આદિજાતિઓની આજીવિકા અદૃશ્ય થઇ જતાં અને આવકનું કોઇ સાધન નહીં રહેતાં આ સમુદાયોને ઊંચા વ્યાજ દરે સ્થાનિક ધિરધારો સહિત અન્ય સંસ્થાઓ પાસેથી લોન લઇને દેવુ કરવાની ફરજ પડી છે. આમ ભારતના સખત લોકડાઉને દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને દેવાની જાળમાં ધકેલી દીધાં છે.
આવક બંધ થઇ જતાં અને આજીવિકા ગુમાવી દેવાના કારણે ભારતના ઉપેક્ષીતો અને વંચિત સમુહોને નવી લોન લેવાની ફરજ પડી છે એ હકીકત આ સર્વેક્ષણ દ્વારા સામે આવી છે. બીજી હકીકત એ છે કે મોટા ભાગના આ સમુદાયોને કોઇ સરકારી રાહત મળી નથી. દિલ્હી સ્થિત નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન પ્રેક્ટિસ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એવું પણ બહાર આવ્યું છે કે તેમાંના મોટા ભાગનાને રાહતની જોગવાઇમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. જ્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો એવા ૪૭૬ ગામો અને મહોલ્લામાં (શેરી વિસ્તારો) પરિવારને આવકમાં મદદ કરવા માટે બાળકોને અધવચ્ચે અભ્યાસ છોડી દેવો પડ્યો છે. લોકડાઉ ન દરમિયાન આ સમુદાયો વિરૂદ્ધ બહિષ્કાર અને ભેદભાવ વધુ વકર્યો હતો. આમ નાણાકીય સંકટ અને તેના પરિણામે જંગી દેવુ થઇ જતાં ઘણા સમુદાયોને હવે વેંઠ પદ્ધતિમાં ધકેલાઇ જવાની ફરજ પડશે. નેશનલ અલાયન્સ ગ્રુપ ઓફ ડિ-નોટિફાઇડ એન્ડ નોમેડીક ટ્રાઇબ્સ અને પ્રેક્સીસના વડપણ હેઠળ ગેથુ ગ્રુપ વર્કર્સ થિંક ટેંક સહિત સિવિલ સોસાયટી સંગઠનો દ્વારા એપ્રીલથી જૂન વચ્ચે આ સર્વે હાથ ધરીને ડેટા એકત્ર કરવામાં આવ્યાં હતાં.૧૧ રાજ્યો-બિહાર, છત્તિસગઢ, ગુજરાત, ઝારખંડ, મ.પ્ર., દિલ્હી, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ, ઉ.પ્ર. અને પ.બંગાળમાં ૪૭૬ સ્થળોએ આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં ૯૮૦૦૦ જેટલા આવા પરિવારો વસે છે. પ્રત્યેક લોકેશનને દલિત, મુસ્લિમ, આદિવાસી અને ડીએનટી કેટેગરી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં. ભારતની કુલ વસ્તીના ૧૩.૪ ટકા મુસ્લિમો છે અને તે સૌથી મોટી લઘુમતી છે. દલિતોની ટકાવારી ૧૬.૬ ટકા છે જે ઐતિહાસિક રીતે ઉપેક્ષીત સંચિત સમુદાય છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી આદિવાસી વસ્તી છે જે દેશની કુલ વસ્તીના ૮.૬ ટકા જેટલા છે જેમાં ૭૦૫ માન્ય અનુસૂચિત જનજાતિ, વિમુક્ત અને વિચરતી જાતિનો સમાવેશ થાય છે જેમની સંખ્યા દેશની વસ્તીના ૧૦ ટકા જેટલી છે. લોકડાઉનની જાહેરાતને પગલે અસંગઠિત કામદારો અને શ્રમિકોને રોજગાર ગુમાવવા પડ્યાં હતાં અને રીવર્સ માઇગ્રેશન થયું હતું તેમજ અવર-જવર પર પ્રતિબંધો લદાયાં હતાં. આથી મનરેગા પર આધાર વધ્યો હતો પરંતુ ૧૦ ગામોમાંથી ચાર ગામોમાં ચાર ઉપેક્ષીત અને વંચિત સમુદાયોના લોકોને મનરેગા હેઠળ કોઇ કામ મળ્યું ન હતું. ડીએનટીના મોટા ભાગના વિસ્તારોમાં મનરેગા હેઠળ રોજગાર ઉપલબ્ધ ન હતાં. અભ્યાસમાં સમાવિષ્ટ ૧૧૪ ડીએનટી સ્થળોમાંથી અડધા ભાગના સ્થળો અર્ધશહેરી કે શહેરી વિસ્તારોમાં આવતાં હતાં આ ઉપરાંત રૂરલ ડીએનટી વિસ્તારોમાં ૫૫થી ૬૧ ટકાને આ યોજના હેઠળ રોજગાર મળ્યાં ન હતાં. મુસ્લિમ સમુદાયના મોટા ભાગના સભ્યોએ એવું જણાવ્યું હતું કે તેઓ સેલ્ફ એમ્પ્લોઇડ એટલે કે સ્વ રોજગાર ધરાવતાં હતાં પરંતુ લઘુમતી સમુદાયમાં સ્થિર આજીવિકાનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે તેમને જંગી લોન લેવાની ફરજ પડી હતી. દલિત સ્થળોમાંથી ૯ સ્થળોએ લોન અને કરજમાં વધારો થયો હતો એવુ ંજણાવ્યું હતું.ડીએનટી વિસ્તારમાં વધારો ૭૮ ટકા, મુસ્લિમ વિસ્તારોમાં ૬૪ ટકા અને આદિવાસી વિસ્તારોમાં ૪૭ ટકા હતો.મોટા ભાગની લોનો, પાડોશીઓ, સગાસબંધીઓ અને નાણા ધિરધારો પાસેથી ઊંચા વ્યાજ દરે લેવામાં આવી હતી. જેના પગલે તસ્કરી, વેંઠપ્રથા અને બાળમજૂરી સહિત અન્ય સામાજિક અને આર્થિક શોષણના ભોગ બન્યાં હતાં.
માર્ચમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રૂા.૧.૭ લાખ કરોડનું નાણાકીય પેકેજ એ માત્ર જૂની યોજનાઓનું સુધારા વધારા સાથે પુનરાવર્તન જ હતું. ૭૦ ટકા લોકેશન પર એવું જાણવા મળ્યું હતું કે પરત આવેલા પ્રવાસી શ્રમિકોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું ન હતું જેના પગલે સરકારી રાહતના લાભથી આ સમુદાયો વંચિત રહી ગયાં હતાં. ૫૩ મુસ્લિમ વિસ્તારોમાંથી ૪થી ૩૪ ટકા વિસ્તારોને સરકારી યોજનાના લાભ મળ્યાં નથી. આ ઉપરાંત મહામારીને કારણે લઘુમતી સમુદાયો વધુને વધુ હાંસિયામાં ધકેલાઇ ગયાં હતાં અને વંચિત સ્થિતિમાં મૂકાઇ ગયાં હતાં.માનવ વિકાસના માપદંડો પર મુસ્લિમો પાછળ રહી ગયાં છે અને લોકડાઉન દરમિયાન તબલગી જમાત ઘટના જાહેર થયાં બાદ મુસ્લિમો નોવેલ કોરોના વાયરસના વાહકો છે એવા આક્ષેપો કરીને તેમને વધુ કલંકિત કરાયાં હતાં.
– શ્રેયા રમન અને સાધિકા તિવારી.
(સૌ.સ્ક્રોલ.ઈન)
Recent Comments