(એજન્સી) ઈસ્લામાબાદ, તા.રપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ૩૩૦ મેગાવોટવાળા કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્‌ઘાટન કર્યા બાદ પાકિસ્તાને વિશ્વ બેંક સમક્ષ ૧૯૬૦ના સિંધુ જળસંધિનું ભારતે ઉલ્લંઘન કર્યું હોવાની ફરિયાદ કરી છે અને પાકિસ્તાનમાં વહેતી નદી પરિયોજના જળ પુરવઠાને બાધિત કરશે એવો દાવો કર્યો છે. વિશ્વ બેંકે જણાવ્યું કે, વર્લ્ડ બેંક, ઈસ્લામાબાદ અને નવી દિલ્હીના અધિકારીઓ વચ્ચે થયેલ બેઠકમાં સિંધુ જળ સંબંધિત વિવાદનું સમાધાન થયું નથી.
એટોર્ની જનરલ અશ્તર ઓસફઅલીના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે વિશ્વ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી ક્રિસ્ટલીના જ્યોર્જિયા સાથે મુલાકાત કરી હતી. વિશ્વ બેંકે કહ્યું કે આ બેઠકમાં સિંધુ જળ સંબંધિત વિવાદનું મૈત્રીપૂર્ણ ઉકેલવા શોધવા પર ચર્ચા કરવામાં આવી હતી. પાકિસ્તાન મુજબ તાજેતરમાં જ વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્‌ઘાટન કરાયેલ કિશનગંગા જળવિદ્યુત પરિયોજના એ વિશ્વબેંકની મધ્યસ્થીથી થયેલ જળસંધિનું ઉલ્લંઘન છે અને તે પાકિસતાનના પાણી પુરવઠાને અવરોધકર્તા છે. પાકિસ્તાનની ૮૦ ટકા ખેતી સિંચન સિંધુ અને તેની ઉપનદીઓ પર આધાર રાખે છે. પાકિસ્તાને કબજા હેઠળના કાશ્મીરમાં તાજેતરમાં બંધાયેલ નીલમ-જેલમ હાઈડ્રો પાવર પ્રોજેક્ટના બાંધકામ પર કિશગંગા જળવિદ્યુત પરિયોજનાની નકારાત્મક અસર પડશે એવું પાકિસ્તાને ભારપૂર્વક જણાવ્યું હતું અને કહ્યું કે પાકિસ્તાનમાં વહી આવતી નદી પર કિશનગંગા પરિયોજના શરૂ કરવાથી પુરવઠામાં અવરોધ પેદા થશે. પાકિસ્તાન પ્રતિનિધિ મંડળે વિશ્વબેંકના અધ્યક્ષ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો. ચોધરીએ કહ્યું વર્લ્ડ બેંક આ આંતરરાષ્ટ્રીય કરારનો બાહેંધર હતો. આથી વર્લ્ડ બેંકે આ મામલે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા હસ્તક્ષેપ કરવો જોઈએ. આ દરમિયાન વિશ્વ બેંકે સિંધુ જળ વહેંચણી મુદ્દે ભારત અને પાકિસ્તાન સાથે કામ કરવાનું ચાલુ રાખશે.