(એજન્સી) કોલકાતા, તા. ૩૧
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ આવનારા દિવસોમાં ભારતના સારા ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ નિવેદનથી રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી નિભાવવાના સંકેત આપ્યા છે. તેમણે દેશમા વધી રહેલી અસહિષ્ણુતા અંગે ભાજપ સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને મુખ્ય ચીજવસ્તુઓના ભાવો ઉંચકાઇ રહ્યા છે અને પક્ષના નેતાઓ આ મુદ્દાઓને ઉઠાવવા નિર્બળ સાબિત થયા છે. મમતાએ કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસ ફક્ત બંગાળ જ નહીં પરંતુ દેશના ઘડતરમાં મોટા ફાળો આપવા માટે સક્ષમ છે. તૃણમુલના કાર્યકરો સમાજ અને દેશના ઘડતરમાં સમર્પિત થવા માટે તૈયાર છે. અમારૂ કામ વ્યક્તિત્વ ઘડતર અને યુવાઓમાં જાગૃતિ લાવવાનું છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે, ભાજપ એફઆરડીઆઇ બિલ જેવા મુદ્દે જવાબ આપવો જ પડશે જેમાં ખેડૂતોની અવદશા અને ભાવો ઉંચકાયા છે. આ ઉપરાંત રેલવેની યોજનાઓને પરત ખેંચવા મામલે પણ જવાબ આપવો પડશે. ભાજપમાં અસહિષ્ણુતાની મર્યાદા વિશે કોઇ જાણતું નથી. તેઓ હવે એ પણ નક્કી કરે છે કે કોણ શંુ ખાશે. આ નક્કી કરનારા તેઓ કોણ છે ? મમતા બેનરજીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ અને સીપીએમ ટીએમસી સરકારની નીતિઓને વખોડવામાં લાગે છે. કોંગ્રેસ અને સીપીએમ બાદ ભાજપ દેશની સૌથી ધનિક પાર્ટી છે જ્યારે ટીએમસી સૌથી ગરીબ પાર્ટી છે. શા માટે કોંગ્રેસ અને ડાબેરીઓ સત્તામાં હતા ત્યારે જે કમાયું તેનો ઉપયોગ નથી કરતા. ભાજપ બંગાળમા મોટાપાયે નાણા ખર્ચી રહ્યું છે તો કોંગ્રેસ અને સીપીએમ શા માટે મૌન છે. તેમણે કહ્યું કે, ભંડોળના અભાવે તેમની પાર્ટી ત્રિપુરામાં યોગ્ય રીતે ચૂંટણી અભિયાન ચલાવી શકતી નથી. રાજ્યના બજેટ અંગે તેમણે કહ્યું કે, વિકાસલક્ષી બજેટ હશે.